25 April, 2025 08:36 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
મંગળવારે પહલગામની બૈસરન વૅલીમાં થયેલા હુમલાનો વિડિયો ગઈ કાલે ફરતો થયો હતો, જેમાં એક આતંકવાદીને ફાયરિંગ કરતો જોઈ શકાય છે.
ઇસ્લામમાં માનનારા લોકો માટે કલમા પઢવાનું અને એને માનવાનું બહુ જ મહત્ત્વનું છે. કોઈ કલમા પઢે છે ત્યારે તે અલ્લાહને માને છે અને મુહમ્મદસાહબને તેમના આખરી રસૂલ માને છે. કલમા એ ઇસ્લામનો પાયો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં મુસલમાન હોય, તેની પહેલી અને સૌથી મહત્ત્વની નિશાની એ છે કે તે કલમા જાણે છે, બોલે છે અને માને છે. આ કોઈ શબ્દો નહીં પરંતુ અલ્લાહ અને તેના રસૂલ એટલે કે અલ્લાહના દૂત પર સંપૂર્ણ યકીન અને સમર્પણની કબૂલાત છે. નિયમિતરૂપથી કલમા પઢવાનું એ મુસલમાનો માટે અલ્લાહની ઇબાદત કરવાની અને મોહમ્મદ પયગંબરે આપેલી શિક્ષાઓનું પાલન કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવવાની એક રીત છે.
કેટલા પ્રકારના કલમા હોય છે?
ઇસ્લામમાં મુખ્યત્વે છ કલમા છે. સૌથી પહેલો અને મહત્ત્વનો કલમા છે કલમા તૈય્યિબ. મતલબ કે કલમા પવિત્રતા. એ છે ‘લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદુર રસૂલુલ્લાહ’, જેનો અર્થ થાય છે કે અલ્લાહ એક જ છે અને એ જ સર્વોપરી છે અને મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.
બાકીના પાંચ કલમા શું છે?
આ પાંચ કલમા ઇસ્લામી શ્રદ્ધાના અલગ-અલગ આયામોને ઉજાગર કરે છે. જેમ કે કલમા શહાદત (ગવાહી), કલમા તમજીદ (પ્રશંસા), કલમા તૌહીદ (એકતા), કલમા અસ્તગફાર (પશ્ચાત્તાપ) અને રદ્દે કુફ્ર (અવિશ્વાસનો અસ્વીકાર કરવો).
નિયમિત કલમા પઢવાનું અને સમજવાનું મુસલમાનોને પોતાના ધર્મમાં આસ્થા મજબૂત કરવામાં અને અલ્લાહ સાથે સંબંધ ઊંડો કરવામાં તેમ જ ઇસ્લામી જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવામાં મદદ કરે છે.