30 April, 2025 10:56 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં આતંકવાદીઓએ ૨૨ એપ્રિલે કરેલા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે ૮૭ ટૂરિસ્ટ-સ્પૉટમાંથી ૪૮ ટૂરિસ્ટ-સ્પૉટને બંધ કરી દીધાં છે. બંધ કરી દેવામાં આવેલાં ટૂરિસ્ટ-સ્પૉટ પર વધુ આતંકવાદી હુમલા કરવામાં આવે એવી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આપેલી ચેતવણીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકવાદીઓના આંતરવામાં આવેલા કમ્યુનિકેશનમાં જાણકારી મળી હતી કે પહલગામ હુમલા બાદ ખીણમાં કેટલાક સ્લીપર-સેલ સક્રિય થયા હતા અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
ગુપ્તચર અહેવાલો સતત સૂચવે છે કે પહલગામ હુમલા બાદ ખીણમાં સક્રિય આતંકવાદીઓનાં ઘરોના વિનાશના બદલામાં આતંકવાદીઓ મોટા અને વધુ ખુવારી થાય એવા હુમલાની સાથે ટાર્ગેટેડ કિલિંગનું આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
સુરક્ષા દળોએ ગુલમર્ગ, સોનમર્ગ અને દલ લેક વિસ્તારો સહિત સંવેદનશીલ પ્રવાસન સ્થળોએ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપમાંથી ફિદાયીન વિરોધી ટુકડીઓ તહેનાત કરી છે. એકંદરે સુરક્ષા-પગલાં નોંધપાત્ર રીતે મજબૂત બનાવવામાં આવ્યાં છે.