નરેન્દ્ર મોદીના ફોન બાદ અમિત શાહ પહોંચ્યા શ્રીનગર, હાઈ લેવલની બેઠક યોજી

24 April, 2025 06:59 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ખચ્ચર કે પગપાળા ત્યાં સુધી પહોંચી શકાય છે. આતંકવાદીઓ બૈસરન ઘાટીના પહાડથી નીચે ઊતર્યા હતા અને ઘોડેસવારી કરતા ટૂરિસ્ટો પર હુમલો કર્યો હતો.

અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને હાઈ લેવલની બેઠક યોજી

પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે જ શ્રીનગર પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી અને તેમને કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવા કહ્યું હતું. ત્યાર બાદ તેઓ તરત જ જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા, કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના સહિતના અધિકારીઓ સાથે સુરક્ષા રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે અમિત શાહ હુમલામાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત કરશે.

જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ નજીક અનંતનાગ જિલ્લામાં મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતી બૈસરન ઘાટી વિસ્તારમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યે આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૨૭ ટૂરિસ્ટોનાં મૃત્યુ થયાં છે, જીવ ગુમાવનારા મોટા ભાગના લોકોમાં મૃતકોમાં પુરુષોનો સમાવેશ છે. એક ઇટલીનો નાગરિક છે, એક ઇઝરાયલનો છે, એક નેપાલનો છે, એક UAEનો છે, ચાર જણ સ્થાનિક છે અને બાકીના ભારતના વિવિધ ભાગમાંથી આવેલા ટૂરિસ્ટ છે.

જે સ્થળે હુમલો થયો છે ત્યાં રોડ નથી, માત્ર ખચ્ચર કે પગપાળા ત્યાં સુધી પહોંચી શકાય છે. આતંકવાદીઓ બૈસરન ઘાટીના પહાડથી નીચે ઊતર્યા હતા અને ઘોડેસવારી કરતા ટૂરિસ્ટો પર હુમલો કર્યો હતો.

આતંકવાદી હુમલાની ઘટના પછી ઍક્શનમાં આવી ગયેલી ભારતીય આર્મી

આ હુમલો ચાર આતંકવાદીઓએ કર્યો હતો જેમાંથી ત્રણ પાકિસ્તાની અને એક કાશ્મીરી હોવાનું માનવામાં આવે છે.

ટૂરિસ્ટો ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યારે બપોરે આ હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓએ આર્મીના યુનિફૉર્મ જેવાં કપડાં પહેર્યાં હતાં અને ટૂરિસ્ટોને પંજાબીમાં તેમનો ધર્મ પૂછ્યો હતો. ધર્મની જાણકારી મેળવ્યા બાદ આતંકવાદીઓએ તેમની પાસે રહેલી AK-47 રાઇફલમાંથી ૫૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. ગરમીના દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ટૂરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે એથી આવો હુમલો કરીને તેઓ ટૂરિસ્ટોને આવતા રોકવા માગે છે.

 

કોણે લીધી જવાબદારી?
આ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તય્યબાના ટેરર ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હોવાનું જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ ગ્રુપ જમ્મુ અને કાશ્મીરમાં બહારના લોકોને વસાવવા સામે વિરોધ કરે છે અને બહારથી આવતા લોકો સામે હિંસા કરવા માગે છે.

jammu and kashmir terror attack srinagar amit shah kashmir pakistan national news news