30 April, 2025 11:19 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
હાશિમ મૂસા
બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરની બૈસરન ઘાટીમાં થયેલા હુમલામાં સંડોવાયેલો એક આતંકવાદી હાશિમ મૂસા પાકિસ્તાનની સ્પેશ્યલ ફોર્સનો ભૂતપૂર્વ પૅરા કમાન્ડો હતો. હાશિમ મૂસા આ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને તે સુલેમાન તરીકે પણ ઓળખાતો હતો.
કાશ્મીરના ૧૫ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછમાં મૂસાની આર્મી બૅકગ્રાઉન્ડની જાણકારી મળી હતી. મૂસા છેલ્લા એક વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય હતો અને તે પહલગામ સિવાય સુરક્ષા દળો અને નૉન-સિવિલિયન્સ પર હુમલો કરવાના ત્રણ કેસમાં સામેલ હોવાનું મનાય છે.
તપાસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે મૂસા લશ્કર-એ-તય્યબા સિવાય કાશ્મીર ખીણ પ્રદેશમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપના સંપર્કમાં હતો. મૂસા સિવાય આસિફ ફૌઝી, અબુ તલ્હા, આદિલ હુસેન થોકર અને અહસાન બાવીસમી એપ્રિલના આતંકવાદી હુમલામાં સામેલ હતા.
આ અઠવાડિયાની શરૂઆતમાં તપાસ-અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરના બડગામમાં બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને અટકાયતમાં લીધા હતા અને તેમના પર આરોપ છે કે તેમણે આતંકવાદીઓની રહેવાની વ્યવસ્થા, ઉપકરણો અને સ્થાનિક યુવાનોની ભરતીની વ્યવસ્થામાં મદદ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) શેષ પૉલ વૈદે દાવો કર્યો હતો કે પહલગામનો આતંકવાદી હુમલો પાકિસ્તાની આર્મીના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG)ના કમાન્ડોનો આયોજનબદ્ધ હુમલો હતો જેમાં કમાન્ડો આતંકવાદી બનીને આવ્યા હતા.