MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન

03 December, 2020 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન

મહાશય ધર્મપાલ ગુલાટી

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી (Mahashay Dharampal Gulati)નું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું છે.

મહાશય ધર્મપાલ ગુલાટીએ લગભગ સવારે 5.38 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસો પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સંક્રમણ મુક્ત થઈ ગયા હતા. ઉદ્યોગ જગતમાં યોગદાન આપવા માટે મહાશય ધર્મપાલને ગયા વર્ષે જ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રક્ષામંત્રી રાજનાથ સિંહે મહાશય ધર્મપાલ ગુલાટીના નિધનનો શોક વ્યક્ત કર્યો છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તેમને “ભારતના સૌથી પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિક” તરીકે યાદ કર્યા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું, ધર્મપાલજીનું જીવન સેવામાં પુરૂ થયું.

ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. મહાશય ધર્મપાલ ગુલાટી વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા હતા. ધર્મપાલ ગુલાટીના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ 1922માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. તેઓ 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસર આવ્યા હતા. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે, દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી. જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા.

national news