આકાશમાંથી આવી આફત : બિહારમાં વીજળી પડતાં 100થી વધુનાં મૃત્યુ

26 June, 2020 07:11 AM IST  |  Patna | Mumbai Correspondent

આકાશમાંથી આવી આફત : બિહારમાં વીજળી પડતાં 100થી વધુનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

બિહારમાં ગઈ કાલે વીજળી પડવાથી નવ  જિલ્લામાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાંથી ૬ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં ગોપાલગંજના ૧૩, ઔરંગાબાદ અને સીવાનમાં ૬-૬ લોકો, દરભંગાના પાંચ, મોતીહારીના ત્રણ, બેતિયા અને મધુબનીના બે-બે લોકોનો સમાવેશ છે. સીવાનના ભગવાનપુર અને અરૂઆ ગામોમાં વીજળી પડતાં મકાન ધરાશાયી થયું હતું.

ગોપાલગંજનાં ઉચકા ગામે જુદા જુદા સ્થળે ખેતરમાં કામ કરતા સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. બારોલીમાં બે, સોનબરસા અને ખજુરિયામાં એક-એકનું મોત થયું છે.

હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કટિહાર, ભાગલપુર, બાંકા, મુંગેર, ખગડીયા અને જમુઇમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉત્તર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની હવા જોવા મળે છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ તરફ જશે અને બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના તરાઇ વિસ્તારોની નજીક પહોંચી જશે. ૨૭ જૂન સુધી તરાઇ વિસ્તારોમાં પણ ચોમાસાની અસર રહેશે.

bihar national news