ભારે બરફવર્ષાને પગલે કાશ્મીરમાં જીવનજરૂરી ચીજવસ્તુનો રાહત દરનો આદેશ

06 January, 2021 03:20 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ભારે બરફવર્ષાને પગલે કાશ્મીરમાં જીવનજરૂરી ચીજવસ્તુનો રાહત દરનો આદેશ

કાશ્મીરના ખીણ પ્રદેશમાં મંગળવારે ભારે વરસાદને કારણે હવાઈ અને જમીન માર્ગે પરિવહન ખોરવાઈ જતાં વહીવટી તંત્રએ પુરવઠાની કટોકટીની સમસ્યા ટાળવા માટે જીવનજરૂરી ચીજવસ્તુઓના રૅશનિંગનો આદેશ આપ્યો હતો.

શ્રીનગર-જમ્મુ હાઇવે સળંગ ત્રીજા દિવસે બંધ રહ્યો હતો. લગભગ ૩૦૦ કિલોમીટર લાંબો હાઇવે ખીણ માટે પુરવઠાની લાઇફલાઇન છે. જ્યારે પણ હાઇવે બ્લૉક થઈ જાય ત્યારે જમાખોરો અને નફાખોરો કાળા બજારની તક ઝડપી લે છે.

વહીવટી તંત્રએ મંગળવારે પેટ્રોલિયમ પેદાશો અને રાંધણ ગૅસના રૅશનિંગની જાહેરાત કરી હતી.

કાશ્મીરના ડિવિઝનલ કમિશનર પી. કે. પૉલે જણાવ્યું હતું કે ટૂ-વ્હીલરને ત્રણ લિટર ઈંધણ, થ્રી-વ્હીલરને પાંચ લિટર, ખાનગી ફોર-વ્હીલર્સને ૧૦ લિટર, (કમર્શિયલ) ફોર-વ્હીલર્સને ૨૦ લિટર અને ભારે મોટર વાહનો, બસો, ટ્રકો વગેરેને ૨૦ લિટર ઈંધણનો દૈનિક જથ્થો મળશે.

વપરાશકર્તાને ૨૧ દિવસના અંતરે રાંધણ ગૅસનું સિલિન્ડર આપવાનો આદેશ કરાયો હતો.

ભારે બરફવર્ષાના કારણે જિલ્લાના આંતરિક તેમ જ આંતર-જિલ્લા રોડ જોડાણો બંધ જવા ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, જેને પગલે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને શરીરને ગરમ રાખવા માટે ‘કાંગરી’ તરીકે ઓળખાતા પરંપરાગત તાપણાનો આશરો લઈ રહ્યા છે.

national news kashmir