01 April, 2026 03:14 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર - એઆઈ
"Today is your last working day, " મંગળવારે સવારે 6 વાગ્યે (EST) આવેલા આ એક ટૂંકા મેઈલે Oracle (Oracle Layoffs 2026) ના હજારો કર્મચારીઓની દુનિયા બદલી નાખી છે. ટેક જાયન્ટ ઓરેકલે વૈશ્વિક સ્તરે 30,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે, જેની સૌથી ભયાનક અસર ભારતમાં જોવા મળી રહી છે. વિશ્વના IT સેક્ટરમાં ફરી એકવાર ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ટૅક જાયન્ટ Oracle માંથી આવી રહેલા સમાચાર લાખો પ્રોફેશનલ્સ માટે ચેતવણી સમાન બની રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની આશરે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની તૈયારીમાં છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા કોઈ મોટી પૂર્વ સૂચના વગર થઈ રહી છે, જેનાથી કર્મચારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
નવા રિપોર્ટ્સ મુજબ, ઓરેકલ ઇન્ડિયાએ તેના 12,000 કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા છે. આટલેથી જ અટકતું નથી; આગામી થોડા અઠવાડિયામાં છટણીનો બીજો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે. કંપનીએ આ નિર્ણય પાછળ "સંગઠનાત્મક ફેરફાર" (Organisational Change) નું કારણ આપ્યું છે. છેલ્લા બે દાયકાના સતત વિકાસ પછી, ભારતીય IT ઉદ્યોગ હવે એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે
આ છટણીનું સૌથી આઘાતજનક પાસું એ છે કે કર્મચારીઓને માત્ર એક ઈમેઈલ દ્વારા જ બહાર કરવામાં આવી રહ્યા છે. ઘણા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેઓ કહે છે કે સવારે કામ માટે લોગ-ઈન કરતાં જ તેમનું એક્સેસ બ્લોક થઈ ગયું હતું. થોડા સમય પછી મળેલા ટૂંકા ઈમેઈલમાં લખેલું હતું , “We don`t need your services anymore.”
આ રીતે કોઈ પણ નોટિસ પિરિયડ વગર લેવાયેલા નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
ભારતના IT હબ ગણાતા બેંગલુરુમાં આ સમાચારનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સર્જાપુર રોડ, વ્હાઇટફિલ્ડ અને આઉટર રિંગ રોડ જેવા વિસ્તારોમાં રહેલા હજારો IT પ્રોફેશનલ્સ માટે પરિસ્થિતિ ગંભીર બની છે. લાખો રૂપિયાના હોમ લોન EMI ચૂકવતા લોકો હવે નોકરી ગુમાવવાના ભયમાં છે. સ્થાનિક પ્રોપર્ટી માર્કેટ પર પણ તેની અસર થવાની શક્યતા છે. અગાઉ પણ જ્યારે આવી છટણી થઈ હતી, ત્યારે ભાડા અને પ્રોપર્ટી ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો હતો. આ છટણીએ માત્ર બેંગલુરુ નહીં પણ હૈદરાબાદ, પુણે અને NCR જેવા મોટા શહેરોના હાઉસિંગ માર્કેટમાં ફફડાટ ફેલાવી દીધો છે. ઐતિહાસિક રીતે, IT સેક્ટરની આવક જ આ શહેરોમાં મકાનોની માંગ વધારતી રહી છે. હવે જ્યારે હજારો પ્રોફેશનલ્સની નોકરીઓ જઈ રહી છે, ત્યારે લાખોના EMI અને નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર મોટું પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતો માને છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો ઘરના વેચાણમાં ઘટાડો થશે અને બજારમાં રહેલા ઇન્વેન્ટરી પર દબાણ વધશે
નિષ્ણાતોના મતે, આ મોટા પાયે છટણી પાછળનું એક મહત્વપૂર્ણ કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. Oracle હવે ક્લાઉડ સર્વિસિસ અને AI આધારિત સોલ્યુશન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના કારણે પરંપરાગત IT રોલ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપનીઓ હવે ઓટોમેશન અને AI ટૂલ્સ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે માનવ કર્મચારીઓ પર સીધી અસર પડી રહી છે.
Oracle માં કામ કરતા હજારો ભારતીયો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. ખાસ કરીને અમેરિકામાં H-1B વિઝા પર રહેલા કર્મચારીઓ માટે જોખમ વધારે છે. નોકરી ગુમાવ્યા પછી 60 દિવસમાં નવી નોકરી ન મળે તો તેમને ભારત પરત ફરવું પડી શકે છે, જે તેમની કારકિર્દી માટે મોટો આઘાત બની શકે છે.
આ પહેલી વાર નથી કે ટેક ઇન્ડસ્ટ્રીમાં આટલા મોટા પાયે છટણી થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં Google, Amazon, Meta અને Microsoft જેવી મોટી કંપનીઓએ પણ હજારો કર્મચારીઓને બહાર કર્યા હતા. વૈશ્વિક મંદી, ખર્ચ ઘટાડો અને ટેક સેક્ટરમાં બદલાતી જરૂરિયાતો તેના મુખ્ય કારણો રહ્યા છે. 2023 અને 2024 દરમિયાન થયેલા લેઓફ્સ પછી પણ IT ઇન્ડસ્ટ્રી હજુ સંપૂર્ણ રીતે સ્થિર થઈ શકી નથી. હવે Oracle નો આ નિર્ણય દર્શાવે છે કે આ ટ્રેન્ડ હજી અટકવાનો નથી. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં AI અને ઓટોમેશનના કારણે વધુ નોકરીઓ પર અસર પડી શકે છે. Oracle ની આ 30,000 કર્મચારીઓની છટણી માત્ર એક કંપનીનો નિર્ણય નથી. આ સમગ્ર IT ઇન્ડસ્ટ્રી માટે મોટો એલાર્મ છે. હવે સમય આવી ગયો છે કે પ્રોફેશનલ્સ પોતાની સ્કિલ્સ અપડેટ કરે અને બદલાતી ટેકનોલોજી સાથે આગળ વધવા તૈયાર રહે. AI ના યુગમાં ટકવા માટે સતત શીખવું અને નવી તકો શોધવી અનિવાર્ય બની ગયું છે.