વસુંધરા રાજેએ સહી કરેલી ઍફિડેવિટ જાહેર થતાં BJPની મુશ્કેલી વધી

25 June, 2015 06:22 AM IST  | 

વસુંધરા રાજેએ સહી કરેલી ઍફિડેવિટ જાહેર થતાં BJPની મુશ્કેલી વધી



એ વખતે વસુંધરા રાજસ્થાન સરકારમાં વિરોધ પક્ષનાં નેતા હતાં ત્યારે તેમણે લલિત મોદીની તરફેણમાં કરેલી સાત પાનાંની ઍફિડેવિટ કરી હતી. એ ઍફિડેવિટને આધારે કૉન્ગ્રેસી નેતા જયરામ રમેશે વસુંધરા આ બાબતમાં સતત ખોટું બોલી રહ્યાં હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું.

એ ઍફિડેવિટ ૨૦૧૧માં બ્રિટનમાં રજૂ કરવામાં આવી હતી. કૉન્ગ્રેસે ભ્રષ્ટાચારમાં સાથ આપવા બદલ રાજસ્થાનનાં મુખ્ય પ્રધાનપદેથી વસુંધરાનું રાજીનામું માગ્યું છે અને BJPએ વસુંધરા પાસે તેમની સહીવાળી ઍફિડેવિટ વિશે સ્પષ્ટતા માગી છે.

હાલમાં લંડનના નિવાસી લલિત મોદીને આવો ડૉક્યુમેન્ટ ભૂતકાળમાં આપ્યો હોવાનો વસુંધરાએ ઇનકાર કર્યો હતો. એક ટીવી ઇન્ટરવ્યુમાં આ પ્રકારની કોઈ જાણકારી નહીં હોવાનું વસુંધરા રાજેએ જણાવ્યું હતું.

BJPના પ્રવક્તા નલિન કોહલીએ જણાવ્યું હતું કે ‘અમારા પક્ષની કોઈ પણ સરકારે લલિત મોદી સામે ચાલતી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો નથી. લલિત મોદીએ બ્રિટનની ર્કોટમાં વસુંધરા રાજેએ સહી કરેલી ઍફિડેવિટ રજૂ કરી એ વખતે દેશમાં કૉન્ગ્રેસી સરકાર સત્તા પર હતી અને કૉન્ગ્રેસના શાસન દરમ્યાન જ લલિત મોદી દેશમાંથી નાસી ગયો હતો.