પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન ISIને ગુપ્ત માહિતી આપતો હતો

04 June, 2025 06:59 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: પંજાબ પોલીસે તરનતારનમાં ગગનદીપ સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર પાકિસ્તાનની ISIને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે; તે ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શૅર કરતો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan Tension) હતો ત્યારથી દેશમાંથી જાસૂસો પકડાયા હોવાના સમાચાર સતત બહાર આવી રહ્યા છે. પંજાબ પોલીસ (Punjab Police)એ હવે ગુપ્ત માહિતી શેર કરવા બદલ વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પાકિસ્તાની જાસુસ હતો.

પંજાબ (Punjab) પોલીસે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, કાઉન્ટર-ઇન્ટેલિજન્સ-પંજાબ (Counter-Intelligence-Punjab) પાસેથી મળેલી માહિતીના આધારે, તરનતારન પોલીસ (Tarntaran Police)એ સંયુક્ત ઓપરેશનમાં ગગનદીપ સિંહ ઉર્ફે ગગન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (Inter-Services Intelligence – ISI) અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલા સાથે સંપર્કમાં હતો અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શૅર કરી રહ્યો હતો.

માહિતી અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે તે સૈન્ય તૈનાત, સૈન્ય સંબંધિત પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે તેવી અન્ય ગુપ્ત માહિતી શૅર કરવામાં સામેલ હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલ ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની સહાનુભૂતિ ધરાવતા ગોપાલ સિંહ ચાવલા સાથે સંપર્કમાં હતો, જેના દ્વારા તેનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ (PIOs) સાથે થયો હતો. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે, ગગનદીપે પીઆઈઓ દ્વારા પૈસા પણ લીધા હતા. મોબાઈલ ફોન દ્વારા તેણે પીઆઈએ સાથે ગુપ્ત માહિતી શેર કરી હતી. આ સાથે, તે ૨૦થી વધુ આઈએસઆઈ લોકોના સંપર્કમાં હતો. પોલીસે આ સંદર્ભમાં વિગતો મેળવી છે. આરોપીઓ વિરુદ્ધ તરનતારન પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગગનદીપ સિંહ પાસેથી મળેલા મોબાઇલ ફોનથી તેણે તેના પાકિસ્તાની એજન્ટો સાથે શેર કરેલી ગુપ્ત માહિતી અને તેના ૨૦થી વધુ ISI સંપર્કો વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. DGPએ જણાવ્યું હતું કે અન્ય કડીઓ શોધવા અને આ જાસૂસી નેટવર્કના સંપૂર્ણ અવકાશને સ્થાપિત કરવા માટે સઘન નાણાકીય અને તકનીકી તપાસ ચાલી રહી છે. પંજાબ પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ ચાવલા, જે હાલમાં પાકિસ્તાનમાં છે તે ISI સાથે મળીને ભારતમાં જાસૂસી રેકેટ ચલાવી રહ્યો છે અને પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી ભારતની બદલો લેવાની કાર્યવાહી દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન જાસૂસીમાં સક્રિય રીતે સામેલ હતો. ચાવલા પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક સાથે પણ જોડાયેલો છે અને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના વડા હાફિઝ સઈદ (Hafiz Saeed) સાથેના તેના ફોટા સામે આવ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા (Haryana) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી એક ડઝનથી વધુ જાસુસોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલ જાસૂસી નેટવર્ક ઉત્તર ભારતમાં કાર્યરત છે.

operation sindoor ind pak tension india pakistan terror attack Pahalgam Terror Attack punjab national news news