Operation Sindoor પછી વડાપ્રધાન મોદીનું પહેલુ રિએક્શન… આ થવાનું જ હતું, આપણા બધા માટે ગર્વનો દિવસ

08 May, 2025 07:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે; તેમણે સીસીએસ અને કેબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો

`ઓપરેશન સિંદૂર` પછી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળની બેઠકમાં (તસવીર સૌજન્ય : પીટીઆઇ)

૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારત (India)એ આતંકવાદને જડબાતોડ જવાબ આપવા પાકિસ્તાન (Pakistan)માં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. જેને ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) નામ આપ્યું હતું. હવાઈ હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રીઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી (PM Narendra Modi in Cabinet Meeting) આપી હતી. બેઠક દરમિયાન, પીએમ મોદીએ કેબિનેટને જણાવ્યું હતું કે, ઓપરેશન યોજના મુજબ જ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેનાએ અગાઉથી કરવામાં આવેલી વિગતવાર તૈયારીઓનું કડક પાલન કરીને અત્યંત ચોકસાઈ સાથે મિશનને પાર પાડ્યું હતું. મંત્રીમંડળે પણ ભારતીય સેના (Indian Army)ની કાર્યવાહીની પ્રશંસા કરી છે.

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ સહિત અનેક આતંકવાદી હુમલાઓનો બદલો લીધો છે. સેનાએ ૬ અને ૭ મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને તેનો નાશ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સેનાની કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આ આપણા બધા માટે ગર્વનો દિવસ છે.’

આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ઓપરેશનના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી અને કહ્યું કે, ‘આ થવાનું જ છે.’ તેમણે કહ્યું, ‘આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો. અમને અમારી સેના પર ગર્વ છે.’

સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સશસ્ત્ર દળોના તેમના પ્રશંસનીય કાર્ય માટે પ્રશંસા કરી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કેબિનેટ મંત્રીઓએ સર્વસંમતિથી વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સશસ્ત્ર દળોના સફળ સંચાલન માટે પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય મંત્રીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર રાષ્ટ્ર પ્રધાનમંત્રી અને લશ્કરી સ્થાપના સાથે મજબૂતીથી ઉભું છે. સરહદ પારથી ઘૂસણખોરી માટે ઉપયોગમાં લેવાતા આતંકવાદી ઠેકાણાઓ અને શિબિરોને નિશાન બનાવનાર આ હુમલો સરહદ પારથી થતા આતંકવાદ સામે એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય સેના (Indian Army), નૌકાદળ (Indian Navy) અને વાયુસેના (Indian Air Force)એ એક ઐતિહાસિક સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આ હુમલો ૨૨ એપ્રિલના રોજ પહેલગામ હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો જેમાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુઁ હતું. વડા પ્રધાન મોદીએ રાતોરાત ચાલેલા ઓપરેશન પર સતત નજર રાખી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એવા ઠેકાણાઓ પર હુમલો કર્યો જ્યાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ થઈ રહ્યો હતો.

operation sindoor narendra modi india pakistan Pahalgam Terror Attack terror attack indian army indian air force indian navy national news