સિલેક્ટેડ ઑફિસરોની ટીમને ચાર દિવસ સુધી સાઉથ બ્લૉકમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવેલી

08 May, 2025 08:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચમી મેએ અજિત ડોભાલે સમગ્ર ઑપરેશનનો પ્લાન નરેન્દ્ર મોદીને સોંપ્યો, જે એ જ દિવસે મંજૂર થઈ ગયો : ઑપરેશન સિંદૂરનું પ્લાનિંગ કઈ રીતે અને ક્યારે થયું એની ટાઇમલાઇન જાણો

ઇન્ડિયન આર્મીએ પહેલાં રાત્રે ૧.૨૮ વાગ્યે અને પછી ૧.૫‍૧ વાગ્યે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટ

૨૪ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મધુબનીમાં હતા ત્યારે તેમણે જાહેર સભામાં કહેલું કે ‘હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે આ આતંકીઓ અને આ અટૅકની સાઝિશ કરનારાઓને તેમની કલ્પના કરતાંય મોટી સજા મળશે, સજા મળીને રહેશે. હવે આતંકીઓની બચીખૂચી જમીનને પણ માટીમાં મેળવી દેવાનો સમય આવી ગયો છે.’

આ નિવેદન પછી ૨૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સાથે મીટિંગ કરી હતી. આવી જ એક મીટિંગ ફરી ત્રીજી મેએ પણ થઈ. એમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, ઍરફૉર્સ ચીફ અમરપ્રીત સિંહ અને નેવી ચીફ દિનેશકુમાર ત્રિપાઠી પણ હાજર રહ્યા. એમાં નક્કી થયું કે પાકિસ્તાનમાં ચાલી રહેલા ટેરર કૅમ્પનો ખાતમો બોલાવવા કયાં ઠોસ પગલાં લેવાં. એ પછી ત્રણેય સેનાના ચીફે ચુનંદા ઑફિસરોની ટીમ બનાવી હતી.

નક્કી કરેલી ટીમને સાઉથ બ્લૉકમાં જ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. તેમને ન બહાર જવાની પરવાનગી હતી, ન બીજા કોઈ સાથે સંપર્ક કરવાની ઇજાજત. તેમને પર્સનલ ફોન કરવાની કે પરિવારજનો સાથે વાત કરવાની પણ પરવાનગી નહોતી. ચાર દિવસ સુધી તમામ ઑફિસરો સાઉથ બ્લૉકમાં જ રહ્યા હતા.

પાંચમી મેએ અજિત ડોભાલે સમગ્ર ઑપરેશનનો પ્લાન વડા પ્રધાનને સોંપ્યો હતો. એ જ દિવસે પ્લાન મંજૂર થયો અને ૩૬ કલાક પછી એટલે કે સાતમી મેની રાતે ઑપરેશન સિંદૂર શરૂ કરવાનું નક્કી થયું. ઑપરેશન પૂરું થવા આવ્યું ત્યારે ભારતીય સેનાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રાત્રે ૧.૨૮ વાગ્યે એક વિડિયો પોસ્ટ કર્યો હતો. એ વિડિયોમાં ટૅન્કમાંથી ફાયરિંગ કરતા, ફાઇટર જેટથી મિસાલ લૉન્ચ કરતા અને અટૅક માટેની ટ્રેઇનિંગ લઈ રહેલા સૈનિકો હતા. એ પોસ્ટમાં સંસ્કૃતમાં લખ્યું હતું, ‘પ્રહારાય સન્નિહિતાઃ, જયાય પ્રશિક્ષિતા’. મતલબ કે જીતવા માટે પ્રશિક્ષિત થઈને હુમલો કરવા માટે તૈયાર.

ઑપરેશન સિંદૂર પૂરું કર્યા પછી રાતે ૧.૫૧ વાગ્યે સોશ્યલ મીડિયા પર ઑપરેશન સિંદૂરનો ફોટો શૅર કરી ઑફિશ્યલ જાહેરાત કરીને કહ્યું, ‘ઇન્સાફ થઈ ગયો.’

૧૯૭૧ના યુદ્ધ પછી પહેલી વાર આર્મી, નેવી અને ઍરફોર્સે પાકિસ્તાન સામે જૉઇન્ટ સ્ટ્રાઇક કરી

બુધવારે વહેલી સવારે પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવેલા ઑપરેશન સિંદૂરમાં ૧૯૭૧ના યુદ્ધ બાદ પહેલી વાર આર્મી, નેવી અને ઍરફોર્સે સાથે મળીને પાકિસ્તાનમાં અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ૯ આતંકવાદી કૅમ્પને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાએ એકદમ ચોકસાઈપૂર્વક માત્ર આતંકવાદી અડ્ડાઓને જ નિશાન બનાવ્યા હતા અને પાકિસ્તાનના મિલિટરી કે સિવિલિયન વિસ્તારમાં સ્ટ્રાઇક કરી નહોતી. આ હુમલાઓ પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન્સ  એટલે કે ચોકસાઈથી માર્ગદર્શિત દારૂગોળાનો અને કામિકાઝે ડ્રોન જેને લોઇટરિંગ દારૂગોળા તરીકે પણ ઓળખવામાં આવે છે એનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા, જે વિસ્ફોટક હથિયારોથી લક્ષ્યો પર હુમલો કરીને એમને નષ્ટ કરવામાં સક્ષમ હતા.

narendra modi operation sindoor indian army pakistan indian navy indian air force national news news Pakistan occupied Kashmir Pok