ભારતમાં દર 15નો વ્યક્તિ કોરોનાગ્રસ્ત, પરિસ્થિતિ હજી ગંભીર થશે

29 September, 2020 08:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં દર 15નો વ્યક્તિ કોરોનાગ્રસ્ત, પરિસ્થિતિ હજી ગંભીર થશે

ફાઈલ તસવીર

ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે ICMR તરફથી આકરી ચેતવણી આપવામાં આવી છે.

ICMRના સચિવે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સીરો સર્વેના બીજા અહેવાલ મુજબ દેશની મોટા ભાગની વસતી હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. ઓગસ્ટ 2020 સુધીમાં 10 વર્ષથી વધુ ઉંમરમાં દરેક 15મી વ્યક્તિ કોરોનાથી પ્રભાવિત થઈ ચૂકી છે.

કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસથી 51 લાખ કરતા વધુ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 7 કરોડ 30 લાખ ટેસ્ટ થયા છે. ગત સપ્તાહે 77.8 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સીરો સર્વેમાં જણાયું કે દેશની મોટી જનસંખ્યા પર હજુ કોવિડ-19નો ખતરો છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, પ્રતિ 10 લાખની વસ્તીમાં ભારતમાં 4453 કોરોનાના કેસ છે. નવા કેસમાં ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીપર 425 કેસ છે. કોરોનાને કારણે પ્રતિ 10 લાખની વસ્તીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરમાં 2 કરોડ 97 લાખ ટેસ્ટ થયા છે. ઓગસ્ટમાં આ આંકડો 2 કરોડ 39 લાખ હતો. દેશમાં કોરોનાના કુલ કેસમાં 15.4 એક્ટિવ કેસ છે, જ્યારે રિકવરી રેટ 83 ટકા છે.

ICMRના ડીજી બલરામ ભાર્ગવે આ મામલે કહ્યું હતું કે, બીજા સીરો સર્વે રિપોર્ટ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસથી એટલી અસર થઈ નથી. બીજા સીરો સર્વે રિપોર્ટ અનુસાર SARS-COV2થી સૌથી વધુ પ્રભાવિત શહેરી ઝૂંપડપટ્ટી અને શહેરી નોન સ્લમ એરિયા છે. ગ્રામિણ વિસ્તારમાં અપેક્ષાકૃત ઓછો પ્રભાવિત છે.

ICMRના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે ઉમેર્યું હતું કે, પહેલો સીરો સર્વે 11 મેથી 4 જૂન વચ્ચે થયો હતો. તેને 21 રાજ્યોના 70 જિલ્લામાં કરાવવામાં આવ્યો હતો. તે સમયે 0.73 ટકા સંક્રમણ દર જોવા મળ્યો હતો. બીજો સીરો સર્વે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર વચ્ચે થયો હતો. 21 રાજ્યોના 70 જિલ્લામાં આ સર્વે થયો છે.

coronavirus covid19 national news