પહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ

17 January, 2021 12:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વિરોધી રસીકરણના અભિયાનનો આરંભ કર્યા પછી દિવસ દરમ્યાન દેશભરમાં ત્રણ લાખ લોકોને વૅક્સિનનો પહેલો ડોઝ આપવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત ૧,૯૧,૧૮૧ લોકોને વૅક્સિન આપી શકાઈ હતી. ગઈ કાલે સાંજે આરોગ્ય મંત્રાલયે યોજેલી પત્રકાર પરિષદમાં ઉપરોક્ત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘કોરોના વિરોધી રસી આપવા માટે આખા દેશમાં ૩૩૫૧ વૅક્સિનેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યાં છે. એ સેન્ટર્સમાં ૧૬,૭૫૫ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. વૅક્સિન લીધા પછી કોઈને આરોગ્યની વ્યાધિ થઈ નહોતી, તેથી કોઈને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. લાભાર્થીઓની યાદી કો-વિન અૅપ પર અપલોડ કરવામાં વિલંબ થયો હતો. કેટલાંક સેન્ટર્સ પર વૅક્સિનેશનની સ્પીડ વધારવામાં આવી હતી, તેથી જેમનાં નામો યાદીમાં નહોતાં તેમને પણ વૅક્સિન આપવામાં આવી હતી.’

આખા દિવસમાં વૅક્સિનેશનની કાર્યવાહી પૂરી થયા પછી કેન્દ્રના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન જોડે રાજ્યોના આરોગ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓની વર્ચ્યુઅલ રિવ્યુ મીટિંગ યોજાઈ હતી.

coronavirus covid19 national news