ભારતના ગ્રીન મૅને શરૂ કરી પહેલી ટ્રી ઍમ્બ્યુલન્સ સર્વિસ

08 June, 2019 09:22 AM IST  |  તામિલનાડુ

ભારતના ગ્રીન મૅને શરૂ કરી પહેલી ટ્રી ઍમ્બ્યુલન્સ સર્વિસ

ટ્રી ઍમ્બ્યુલન્સ સર્વિસ

૨૦૧૬ અને ૨૦૧૮માં તામિલનાડુમાં ભયાનક વાવાઝોડાં આવેલાં એને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષો અને હરિયાળીને બહુ મોટું નુકસાન થયું હતું. લાખો વૃક્ષો જમીનદોસ્ત થયેલાં અને અનેક વૃક્ષો વાવાઝોડામાં ડૅમેજ થઈને અધમૂઈ હાલતમાં સુકાઈ રહ્યાં છે. જેમ કોઈ માણસ માંદો પડે તો તરત તેની સારવાર માટે ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે એમ ચેન્નઈના પર્યાવરણપ્રેમી ડૉ. અબ્દુલ ઘાનીએ પણ ‌બીમાર વૃક્ષો માટે હાજર થઈ જાય એવી ઍમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરી છે.

ડૉ. અબ્દુલને ભારતના ગ્રીન મૅનનું બિરુદ આપવામાં આવ્યું છે. આજકાલ લોકો વૃક્ષ વાવવામાં હોશીલા છે પણ એ પછી એનું જતન કરીને ઉછેર કરવામાં કાચા પડે છે. ડૉ. અબ્દુલે આવાં વૃક્ષોની સારસંભાળ લઈ શકાય એ માટે ઍમ્બ્યુલન્સ શરૂ કરી છે. હાલમાં આ ટ્રી ઍમ્બ્યુલન્સ માત્ર તામિલનાડુમાં જ શરૂ થઈ છે, પણ આગામી બે-ત્રણ મહિનામાં એ દિલ્હીમાં પણ શરૂ થશે. આ ટ્રી ઍમ્બ્યુલન્સ સ્કૂલ અને કૉલેજોમાં જઈને સ્ટુડન્ટ્સને વૃક્ષો વાવવાની સાથે એનું જતન કરવાનું મહત્ત્વ સમજાવશે અને કઈ રીતે વૃક્ષની કાળજી રાખી શકાય એની ટેક્નિક પણ શીખવશે.

આ પણ વાંચો : ચીનના કેદીઓ માટે શરૂ થઈ ઑનલાઇન શૉપિંગ સર્વિસ

આ ટ્રી ઍમ્બ્યુલન્સ અધમૂઈ અવસ્થામાં ટકી રહેલાં વૃક્ષોને ખાતર-પાણી આપીને એની સારવાર કરશે જેથી એ ફરીથી નવપલ્લવિત થાય. વૃક્ષોની પ્રાથમિક સારવાર ઉપરાંત બિયારણ બૅન્ક, કેટલાંક વૃક્ષોનું સ્થળાંતર અને છોડની વહેંચણી જેવી સેવાઓ પણ આપશે.

national news tamil nadu