દુનિયામાં વર્ષે ૧૨.૧ કરોડ અનિચ્છનીય પ્રેગ્નન્સી, દર સાતમાંથી એક ભારતમાં

01 April, 2022 09:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડના રિપોર્ટ અનુસાર ૬૧ ટકા પ્લાનિંગ વિનાની પ્રેગ્નન્સીનું પરિણામ અબૉર્શન આવે છે

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૨.૧ કરોડ મહિલાઓ અને બાળકીઓ પોતાની ઇચ્છા કે પ્લાનિંગ વિના પ્રેગ્નન્ટ થાય છે. આવી દર સાતમાંથી એક મહિલા કે બાળકી ભારતીય છે. એટલું જ નહીં આવી ૬૧ ટકા પ્લાનિંગ વિનાની પ્રેગ્નન્સીનું પરિણામ અબૉર્શન આવે છે. યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ દ્વારા પબ્લિશ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. આ વર્ષનો ‘સ્ટેટ ઑફ વર્લ્ડ પૉપ્યુલેશન રિપોર્ટ’ હાલ પબ્લિશ કરાયો હતો. 

આ રિપોર્ટમાં જણાવાયું છે કે હવે ભારતની મુખ્ય પ્રાથમિકતા ફૅમિલી પ્લાનિંગ, કોન્ટ્રાસેપ્ટિવ્સના સંબંધમાં જરૂરિયાતોને પૂરી કરવાની તેમ જ સેફ અબૉર્શન માટેની સુવિધાઓ વધારવાની છે.

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડના ભારતમાં પ્રતિનિધિ અને ભુતાન માટેના ડિરેક્ટર એન્દ્રિયા વોજનરે કહ્યું હતું કે ‘ભારતમાં વસ્તી સ્થિર થઈ રહી છે. જન્મ આપતી વખતે માતાના મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. ફૅમિલી પ્લાનિંગ માટે સેફ અને મૉડર્ન પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો છે. જોકે ૨૦૨૨ સ્ટેટ ઑફ વર્લ્ડ પૉપ્યુલેશન રિપોર્ટે અનિચ્છનીય પ્રેગ્નન્સીની સાઇલન્ટ કટોકટીને છતી કરી છે.’

આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે સમગ્ર દુનિયામાં તમામેતમામ ટીનેજ ગર્લ્સ દ્વારા બાળકની ડિલિવરીને અનિચ્છનીય પ્રેગ્નન્સી ન કહી શકાય. યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ડિવિઝનના સંશોધન અનુસાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરની મોટા ભાગની કિશોરીઓએ મેરેજ કરીને જ બાળકને જન્મ આપ્યો છે, એટલે એવી મોટા ભાગની પ્રેગ્નન્સીને ઇચ્છનીય કે પ્લાન્ડ કહી શકાય. 
યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડના રિપોર્ટમાં ભારત માટે જણાવાયું હતું કે ‘શા માટે અનેક લોકો કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરતા નથી એનો ડેટા મેળવવો જોઈએ. અનિચ્છનીય પ્રેગ્નન્સીના સંબંધમાં સ્થિતિને સારી રીતે સમજવા માટે ભારતે નક્કર રિસર્ચ કરવાની જરૂર છે.’ સર્વે અને ડેટાબેઝના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

13 ટકા
​બાળકીઓ વિકાસશીલ દેશોની ૧૮ વર્ષની થાય એના પહેલાં જ પ્રેગ્નન્ટ થાય છે.

23.3 ટકા
મહિલાઓએ ૧૮ વર્ષની ઉંમર પહેલાં મૅરેજ કર્યા હતા. દેશમાં નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં આ તારણ આવ્યું હતું.

1 ટકા
ઘટાડો થયો ટીનેજ પ્રેગ્નન્સીમાં ભારતમાં.

67 ટકા
અબૉર્શન અનસેફ ગણાયાં છે, જેમાં મહિલાઓ અને બાળકીઓના જીવ જોખમમાં મુકાય છે.

15-19
એ જ ગ્રુપની દર ૧૦૦૦માંથી ૪૩ કિશોરીઓએ બાળકને જન્મ આપ્યો હતો. ભારતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૯-૨૧ માટે કરવામાં આવેલા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં આ તારણ બહાર આવ્યું હતું.હજી ભારતમાં બાળલગ્નો થાય છે.

national news