ઓબામા કપલ તાજમહલ જોવા આગરા જશે

15 January, 2015 06:13 AM IST  | 

ઓબામા કપલ તાજમહલ જોવા આગરા જશે




અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા અને સિનિયર અધિકારીઓ સાથે ૨૫ જાન્યુઆરીએ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. ઓબામા પ્રજાસત્તાક દિનના સમારંભમાં ભાગ લેનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હશે. ગયા વખતે ૨૦૧૦ની મુલાકાતમાં તેઓ આગરાનો વિશ્વવિખ્યાત તાજમહલ જોવા જઈ શક્યા નહોતા અને એથી આ વખતે ત્રીજા દિવસે આ દંપતી પ્રેમના પ્રતીક જેવા આ હેરિટેજ સાઇટની મુલાકાત લેશે.

બરાક ઓબામાના ત્રણ દિવસના કાર્યક્રમ ભરચક છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા અને ઑસ્ટ્રેલિયા મુલાકાત જેવી થકવી નાખે એવી નથી. તેઓ ભારતના સવોર્ચ્ચ નેતાઓ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમનો ત્રણ દિવસનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

પહેલો દિવસ


ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ દ્વિપક્ષી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે અને મહત્વના વિષયો પર સહકાર વધારવા વિશે ચર્ચા થશે, જેમાં સિવિલ ન્યુક્લિયર કરાર અને સુરક્ષા ક્ષેત્ર સામેલ છે.

આ બેઠક બાદ મોદી અને ઓબામા જૉઇન્ટ પ્રેસ સ્ટેટમેન્ટ આપશે. રાત્રે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા ઓબામાના માનમાં આપવામાં આવનારા ડિનરમાં ભાગ લેશે.

બીજો દિવસ


ઓબામા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના સમારંભમાં ભાગ લેશે. ત્યાર બાદ ભારત અને અમેરિકાની કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરો સાથે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં ભાગ લેશે.

ત્રીજો અને અંતિમ દિવસ

ઓબામા એક સ્કૂલની મુલાકાત લેશે અને બાળકોને સંબોધન કરશે. જોકે એનો સમય અને સ્થળ હજુ નક્કી થયાં નથી. ભારત છોડતાં પહેલાં ઓબામા અને તેમની પત્ની આગરામાં તાજમહલની મુલાકાત લેશે.