દેશમાં એકસાથે બે વૅક્સિન, હવે હારશે કોરોના

04 January, 2021 02:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશમાં એકસાથે બે વૅક્સિન, હવે હારશે કોરોના

ગઈ કાલે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા વી.જી. સોમાણી.

કોરોના વાઇરસ પ્રતિરોધક રસી હવે દેશના નાગરિકોને સત્તાવાર અને તબક્કાવાર રીતે ઉપલબ્ધ થશે. ઑક્સફર્ડ-એસ્ટ્રાઝૅનેકાની પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદન કરવામાં આવનારી કોવિશિલ્ડ વૅક્સિન અને ભારત બાયોટેકની કોવૅક્સિન બ્રૅન્ડ્સની રસીને દેશના ડ્રગ્સ કન્ટ્રોલરે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનની એક્સપર્ટ કમિટીની ભલામણો સ્વીકારીને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનની મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંજૂરીને ભારતની કોરોના સામેની લડતમાં મહત્ત્વનો વળાંક ગણાવ્યો હતો.

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા વી.જી. સોમાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘લાંબી વિગતવાર ચર્ચા-વિચારણા પછી ઇમર્જન્સીમાં મર્યાદિત વપરાશ માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝૅનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિનને મંજૂરી આપવામાં આવી છે. બન્ને રસી બે ડોઝમાં લેવાની છે. વૅક્સિન્સને ૨-૮ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનમાં સાચવવાની રહેશે.’

national news coronavirus covid19