સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?

24 April, 2017 05:00 AM IST  | 

સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?



ગ્રાહકોની બાબતોના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ગઈ કાલે કહ્યું હતું કે હોટેલમાં ગ્રાહકોએ સર્વિસ-ચાર્જ આપવો સ્વૈચ્છિક છે, પરંતુ આ સર્વિસ-ચાર્જના કેટલા પૈસા હોટેલના કર્મચારીઓ સુધી પહોંચે છે એ જાણવાનું મહત્વનું છે.

પત્રકારો સાથે વાત કરતાં રામવિલાસ પાસવાને કહ્યું હતું કે ‘અમુક હોટલો કહે છે કે તેઓ ગ્રાહકો પાસેથી ભેગા કરવામાં આવેલા સર્વિસ-ચાર્જના ૩૦ ટકા તેમના સ્ટાફમાં વહેંચી દે છે. શું ખરેખર સર્વિસ-ચાર્જની રકમ સ્ટાફ સુધી પહોંચે છે? અત્યાર સુધી એ નક્કી નથી કે સર્વિસ-ચાર્જના કેટલા ટકા અથવા પૂરી રકમ સ્ટાફને અપાય છે. તેથી જરૂરી છે કે હોટેલ અને રેસ્ટોરાંના માલિકો તેમણે મેળવેલા સર્વિસ-ચાર્જનો રેકૉર્ડ રાખે અને આ રેકૉર્ડને જાહેર કરે.’

સર્વિસ-ટૅક્સ અને સર્વિસ-ચાર્જ વચ્ચે પ્રવર્તતી મૂંઝવણ દૂર કરવા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે સર્વિસ-ટૅક્સ ફરજિયાત છે, જ્યારે સર્વિસ-ચાર્જ સ્વૈચ્છિક છે અને આ વિશે ગ્રાહકોને જાણ હોવી જોઈએ.

નવી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ સર્વિસ-ચાર્જ હોટેલો અને રેસ્ટોરાંના બિલમાં સમાવવામાં નહીં આવે, પરંતુ સર્વિસ-ચાર્જ માટે એક અલગ કૉલમ રાખવામાં આવશે જેને કોરી રાખીને એમાં ગ્રાહક રકમ ભરશે અને અંતિમ બિલ ચૂકવશે.