પેટ્રોલ કરતા ડીઝલ થયું મોંધુ, સતત અઢારમાં દિવસે ભાવ વધારો

24 June, 2020 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પેટ્રોલ કરતા ડીઝલ થયું મોંધુ, સતત અઢારમાં દિવસે ભાવ વધારો

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાય દિવસથી વધારો થઈ રહ્યો છે. બુધવારે સતત અઢારમાં દિવસે પણ ભાવમાં વધારો થયો છે. પરંતુ આજે પેટ્રોલના નહીં ડીઝલના ભાવમાં વધારો થયો છે. બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત વધીને 79.88 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ વધારા સાથે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થઈ ગયું છે.

તેલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 18 દિવસમાં પેટ્રોલના ભાવમાં લગભગ 8.50 રૂપિયા વધારો કર્યો છે. જ્યારે ડીઝલ છેલ્લા 18 દિવસમાં 10.25 રૂપિયા મોંધુ થયું છે. તમને જણાવી દઈએ કે, દરરોજ સવારે છ વાગે પેટ્રોલ-ડીઝલની કિંમત બદલાય છે અને સવારે છ વાગ્યાથી જ નવા ભાવ લાગૂ થાય છે.

નોંધનીય છે કે, ડીઝલના ભાવમાં વધારો થવાની અસર ચારે તરફ થશે. આ વધારાથી પરિવહન ખર્ચ વધશે અને ફુગાવો પણ વધશે. તેથી લોકોને બેવડી અસર થશે. એક તરફ પરિવહન માટે વધુ ચૂકવણી કરવી પડશે અને મોંઘો માલ ખરીદવો પડશે. ઓટો સેક્ટરના વેચાણ પર પણ તેની ગંભીર અસર પડશે.

અન્ય દેશોમાં ડીઝલની કિંમત ઘણીવાર પેટ્રોલ કરતા વધારે રાખવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેની ઉત્પાદન કિંમત પેટ્રોલ કરતા થોડી વધારે છે. પરંતુ હજી સુધી ભારતની સરકાર તેને સબસિડી અને ટેક્સ દ્વારા સસ્તા રાખવાના પ્રયાસ કરી રહી છે. કારણકે તેનો ઉપયોગ કૃષિ, પરિવહન, વીજળી જેવા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે. હકીકતમાં સરકાર સતત વિચારી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલ વચ્ચેના ભાવના તફાવતને ઘટાડવો જોઈએ. કારણકે બન્ને પરનો ખર્ચ લગભગ એક સરખો છે અને સરકારે ડીઝલ સસ્તામાં વેચવા સબસિડી આપવી પડશે. ડીઝલ સબસિડી આપવા પાછળનો હેતુ કલ્યાણકારી વિચાર હતો કે તેનો ઉપયોગ કૃષિ, પરિવહન, વીજળી જેવા મહત્વના ક્ષેત્રોમાં થાય છે. તેથી રાહત આપવી જોઈએ. પરંતુ આ સબસિડીનો ભાર યુપીએ સરકારમાં ખૂબ વધી ગયો છે. ત્યારબાદ ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવના તફાવતને ઘટાડવાની વાત શરૂ થઈ છે. તો મોદી સરકારે પેટ્રોલ કરતા ડીઝલ પરનો ટેક્સ વધાર્યો છે અને બંનેના ભાવ લગભગ બરાબર કરી દીધા છે.

national news