બજરંગ દળના ગોરક્ષકો મોદીને પણ ગણકારતા નથી!!!

11 August, 2016 06:15 AM IST  | 

બજરંગ દળના ગોરક્ષકો મોદીને પણ ગણકારતા નથી!!!



ઉત્તર પ્રદેશના અલીગઢ શહેર પાસેના જિરોલી ગામ નજીક ગાયની ચોરી કરતા હોવાની શંકા પરથી બજરંગ દળના ગોરક્ષક કાર્યકરોએ ચાર જણને ધીબેડ્યા હતા. બજરંગ દળના અલીગઢ જિલ્લા એકમના પ્રમુખ કેદાર સિંહના નેતૃત્વમાં ગોરક્ષકોની ટુકડીએ ભેંસોને લઈ જતા મૅટાડોરને આંતરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ ઘટના બની હતી.

ગોરક્ષકોએ થોભવાનો ઇશારો કર્યા છતાં ડ્રાઇવરે એ વાહન રોક્યું નહોતું. એથી એ ટુકડીએ થોડા આગળના ભાગમાં ઊભા રહેલા સાથીગોરક્ષકોને રસ્તામાં અવરોધો મૂકવાના સંકેત આપ્યા હતા. ત્યાં મૅટાડોરમાં બેઠેલા ચાર જણ નાસી જવા માટે ચાલુ વાહનમાંથી કૂદી પડ્યા હતા, પરંતુ ગોરક્ષકોએ તમને પકડીને ધીબેડવાનું શરૂ કર્યું અને પછીથી એ ચાર જણને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

બજરંગ દળના કાર્યકરોએ એ ચાર જણનું વર્તન શંકાસ્પદ હોવાનું જણાવતાં તેમના પર પશુઓની ચોરીનો આરોપ મૂક્યો હતો. પોલીસે પકડાયેલા ચાર જણની પૂછપરછ શરૂ કરી છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે મંગળવારે સાંજે કોઈ પણ વ્યક્તિ ગોરક્ષાને નામે કાયદો હાથમાં લે એની તકેદારી રાખવા અને એવો ગુનો આચરનારાઓ સામે તાકીદે પગલાં લેવાની સૂચના તમામ રાજ્યોને મોકલી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેવાતા ગોરક્ષકોને વખોડ્યા અને સમાજના અને દેશના ભાગલા પાડતા બનાવટી ગોરક્ષકોથી સાવધ રહેવાનો દેશના લોકોને અનુરોધ કર્યો હતો. એ અનુરોધ કર્યાના બે દિવસ પછી ગૃહમંત્રાલયે રાજ્યોને સૂચના મોકલીને એવા બનાવટી ગોરક્ષકોને કડક સજા કરવા જણાવ્યું હતું.