દિલ્હીથી લંડન હવે બસમાં કરી શકશો પ્રવાસ, આટલા દિવસ કરવી પડશે મુસાફરી

23 August, 2020 05:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીથી લંડન હવે બસમાં કરી શકશો પ્રવાસ, આટલા દિવસ કરવી પડશે મુસાફરી

બસ ટૂ લંડન

આ ટાઈટલ વાંચતા જ તમે આશ્ચર્યમાં મૂકાય જશો. તમારા મનમાં ઘણા સવાલ હશે કે કેવી રીતે અને ક્યારે? આ સફરનું આયોજન કરનારી કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર સફર વિશેની એક પોસ્ટ શૅર કરી છે, ત્યારથી સતત યાત્રાપ્રેમીઓ આ ટૂર સંબંધિત ઉત્સુક્તાથી ભરેલા પ્રશ્નો પૂછી રહ્યા છે.

15 ઑગસ્ટના રોજ, એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ આ સફરની ઘોષણા કરી હતી- દુનિયાની સૌથી મોટી બસ યાત્રા જે આવતા વર્ષે રસ્તા પર દોડશે. આ યાત્રાનું નામ રહેશે બસ ટૂ લંડન. દિલ્હી અને લંડન વચ્ચે આ પ્રથમ બસ સેવા રહેશે. ઇન્સ્ટાગ્રામ પર કંપની દ્વારા પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ મુજબ, આ યાત્રા વિશ્વના 18 દેશોથી 20 હજાર કિલોમીટરનો સફર કરીને 70 દિવસમાં પૂર્ણ થશે.

કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પ્રવાસ ભારતથી શરૂ થશે અને યુનાઇટેડ કિંગડમમાં સમાપ્ત થશે. તે સમય દરમિયાન મુસાફરો મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાત્વિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સનો પ્રવાસ કરશે.

ઈન્સ્ટાગ્રામ પર કંપનીએ કરેલી પોસ્ટ બાદ લોકો ઉત્સાહિત થઈ ગયા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું છે કે તેઓ આ યાત્રા પર જવા માટે આવતા વર્ષ સુધી રાહ જોઈ શકતા નથી. એક યુઝરે લખ્યું, જ્યારથી મેં આ યાત્રા વિશે વાંચ્યું છે, ત્યારથી હું રોમાંચિત થઈ ગયો છું. ત્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું છે, કદાચ હું આ યાત્રા હમણા કરી શક્યો હોત. અન્ય એક યૂઝરે આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે, મેં હમણાંથી આ યાત્રા વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે.

delhi news london national news united kingdom