24 June, 2024 07:33 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
નિર્માણાધીન પુલ તૂટી પડ્યો
બિહારમાં બ્રિજ તૂટી પડવાનો સિલસિલો યથાવત્ છે. તાજેતરમાં અરરિયા જિલ્લાના સિકટી ખાતે બકરા નદી ઉપર ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો પુલ ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો હતો અને હવે પૂર્વ ચંપારણ જિલ્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો છે. બિહારમાં એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ત્રીજી વાર પુલ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના મોતિહારીના ઘોરસાહન બ્લૉકમાં બની હતી અને સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
અમવા ગામને બ્લૉકના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે રાજ્યના ગ્રામીણ કાર્ય વિભાગ (RWD) દ્વારા કૅનલ ઉપર ૧.૫ કરોડ રૂપિયાના ખર્ચે ૧૬ મીટર લાંબો પુલ બની રહ્યો હતો. RWDના ઍડિશનલ ચીફ સેક્રેટરી દીપક કુમાર સિંઘે જણાવ્યું હતું કે ‘ઘટનાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે. આ એક ગંભીર બાબત છે અને તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
જિલ્લા મૅજિસ્ટ્રેટ સૌરભ જોરવાલે જણાવ્યું હતું કે ‘અમુક સ્થાનિક લોકોએ શરૂઆતમાં બ્રિજના અમુક થાંભલાઓના નિર્માણને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહી છે.’