નેતૃત્વ નહીં, સિસ્ટમ પણ બદલવી જોઈએ : અડવાણી

12 October, 2011 08:23 PM IST  | 

નેતૃત્વ નહીં, સિસ્ટમ પણ બદલવી જોઈએ : અડવાણી

 

 

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે રથયાત્રાને  લીલી ઝંડી દેખાડી હતી. અડવાણીએ કહ્યું હતું કે ‘મને આ રથયાત્રા માટે જયપ્રકાશ નારાયણની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મળી હતી. ૧૯૭૦માં જયપ્રકાશ નારાયણે  સામ્યવાદી પક્ષો સિવાયના તમામ બિનકૉન્ગ્રેસી પક્ષોને ભ્રષ્ટ કૉન્ગ્રેસી સરકાર વિરુદ્ધ એકજૂટ કરવાનું કામ કર્યું હતું.  એ સમયે જે સ્થિતિ હતી એ જ અત્યારે પ્રવર્તી  રહી છે એટલે જ હું વિદેશી બૅન્કોમાં છુપાવી રાખવામાં આવેલાં કાળાં નાણાં પાછાં લાવવા તથા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા આ રથયાત્રા શરૂ  કરી રહ્યો છું. ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે માત્ર નેતૃત્વ નહીં પરંતુ સત્તાપરિવર્તન પણ આવશ્યક છે. ’

અડવાણીએ કહ્યું હતું કે આ રથયાત્રાનો ઉદ્દેશ સારી શાસનવ્યવસ્થા તથા સ્વચ્છ રાજનીતિ છે. તેમણે લોકપાલ બિલ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.

૨૩ રાજ્યોમાંથી પસાર થશે

૮૪ વર્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા કુલ ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. અડવાણીની આ છઠ્ઠી રથયાત્રા છે. એમાં  ઉત્તર-પૂર્વનાં રાજ્યો, આંદામાન-નિકોબાર, જમ્મુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત અને દક્ષિણનાં રાજ્યોને આવરી લેવામાં આવશે.  આ રથયાત્રા ૭૬૦૦ કિલોમીટરની હશે. એ દેશના સોથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે.

જયપ્રકાશના ઘરની મુલાકાત

બીજેપીના પીઢ નેતા અડવાણી, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી અને બિહારના મુખ્ય પ્રધાન  નીતીશકુમારે સિતાબ્દીયારામાં જયપ્રકાશ નારાયણના પૂર્વજોના સમયના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. અડવાણીએ કહ્યું હતું કે આપણે ૨૧મી સદીમાં ભારતને  સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. તેમણે નીતીશકુમારના શાસનનાં પણ વખાણ કર્યા હતાં.

દિગ્વિજય સિંહનો સવાલ

દિગ્વિજય સિંહે અણ્ણા હઝારેને લખેલા પત્રમાં કહ્યું હતુંં કે ‘અડવાણી કાળાં નાણાં પાછાં લાવવા માટે રથયાત્રા કરી રહ્યા છે, પરંતુ તેમણે એનડીએ (નૅશનલ  ડેમોક્રેટિક અલાયન્સ)ના શાસનકાળ દરમ્યાન કેમ આ માટે કશું ન કર્યું?’