ઉત્તર-પશ્ચિમ ભારતમાં બે દિવસ સુધી ભારે વરસાદ માટે ઑરેન્જ અલર્ટ

02 May, 2023 12:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડમાં ચારધામના યાત્રાળુઓને જરૂરી તકેદારી લીધા પછી જ તેમની જર્નીમાં આગળ વધવાની અપીલ કરાઈ

નોએડામાં ગઈ કાલે ભારે વરસાદ બાદ પાણીમાં સમાયેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો. તસવીર પી.ટી.આઇ.

દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે ભારે વરસાદ પડતાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ભારતીય હવામાન વિભાગે લગભગ સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદ માટે ઑરેન્જ અલર્ટ ઇશ્યુ કર્યૂં છે. એ જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિસના કારણે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં પણ વરસાદ પડશે. ઉત્તરાખંડમાં ગઈ કાલે બદરીનાથ અને કેદારનાથ ધામમાં થોડા-થોડા સમયના અંતરે બરફ અને વરસાદ પડતો રહેતો હોવાના કારણે ઑથોરિટીઝે ચારધામના યાત્રાળુઓને જરૂરી તકેદારી લીધા પછી જ તેમની જર્નીમાં આગળ વધવાની અપીલ કરી છે. 

બદરીનાથ-કેદારનાથ મંદિર કમિટીના ચૅરમૅન અજેન્દ્ર અજયે કહ્યું હતું કે ‘યાત્રાળુઓ, ખાસ કરીને કેદારનાથ જઈ રહેલા લોકોને હવામાન વિશે અપડેટ મેળવ્યા બાદ અને તેમના રોકાવા માટે ઍડ્વાન્સમાં વ્યવસ્થા કર્યા બાદ જ તેમની જર્નીમાં આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.’ 

ભારતીય હવામાન વિભાગના સિનિયર સાયન્ટિસ્ટ નરેશ કુમારે કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિસના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની વૉર્નિંગ આપવામાં આવી છે. એ જ રીતે પંજાબ અને હરિયાણા માટે અલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. 

આ સિનિયર સાયન્ટિસ્ટે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

national news new delhi mumbai rains Gujarat Rains Weather Update