નૉન-વેજિટેરિયન જુઠ્ઠા, અપ્રામાણિક હિંસક અને ગુનાઇત વૃત્તિના હોય છે

17 November, 2012 04:38 AM IST  | 

નૉન-વેજિટેરિયન જુઠ્ઠા, અપ્રામાણિક હિંસક અને ગુનાઇત વૃત્તિના હોય છે



સીબીએસઈ સ્કૂલની વધુ એક ટેક્સ્ટ બુક વિવાદમાં સપડાઈ છે. સીબીએસઈના છઠ્ઠા ધોરણની એક ટેક્સ્ટ બુકમાં માંસાહારીઓને જુઠ્ઠા, અપ્રામાણિક, સહેલાઈથી છેતરનાર, અપશબ્દો બોલનાર, હિંસક વૃત્તિના અને જાતીય અપરાધ આચરનારા ગણાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે. છઠ્ઠા ધોરણમાં ભણાવવામાં આવતા ‘ન્યુ હેલ્થવે : હેલ્થ, હાઇજિન, ફિઝિયોલૉજી, સેફ્ટી, સેક્સ એજ્યુકેશન, ગેમ્સ ઍન્ડ એક્સરસાઇઝ’ શીર્ષક ધરાવતા પુસ્તકમાં નૉન-વેજિટેરિયન લોકો માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ થતાં નારાજગી ફેલાઈ છે. સરકારે આ ઘટનાને કમનસીબ ગણાવતાં રાજ્યોની અધિકૃત સંસ્થાઓને ટેક્સ્ટ બુકની સામગ્રી પર નજર રાખવા કહ્યું હતું.

વિવાદને પગલે રાજ્ય કક્ષાના માનવ-સંસાધન પ્રધાન પલ્લમ રાજુએ તપાસનો આદેશ આપ્યો હતો. આ તરફ સીબીએસઈનું કહેવું હતું કે વિવાદાસ્પદ લખાણ માત્ર નવમા ધોરણની એક ટેક્સ્ટ બુકમાં છે અને આ બુક સ્ટુડન્ટને ભણાવવી કે નહીં એ નિર્ણય જે-તે સ્કૂલ લેવાનો હોય છે. હમણાં જ તામિલનાડુમાં પણ સીબીએસઈની ટેસ્ક્ટ બુકમાં સ્થાનિક નાડર સમુદાય વિશે અપમાનજનક લખાણને પગલે વિવાદ સર્જાયો હતો. બાદમાં સરકારે આ વિશે એનસીઈઆરટીને વિસ્તૃત અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ આ મુદ્દે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગેરમાર્ગે દોરનારા લખાણને દૂર કરવાની માગણી કરી હતી.

સીબીએસઈ = સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન

એનસીઈઆરટી = નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન, રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ