હું મહારાષ્ટ્રના ટુકડા નહીં થવા દઉં : નરેન્દ્ર મોદી

07 October, 2014 08:32 AM IST  | 

હું મહારાષ્ટ્રના ટુકડા નહીં થવા દઉં : નરેન્દ્ર મોદી




મહારાષ્ટ્રમાં જો BJPની સરકાર બનશે તો મહારાષ્ટ્રના ટુકડા થઈ જશે અને મુંબઈ તેમ જ વિદર્ભને છૂટું પાડી દેવામાં આવશે એવા તેમના પર થઈ રહેલા આક્ષેપોની હવા કાઢી નાખતાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી હું દિલ્હીમાં છું ત્યાં સુધી મહારાષ્ટ્રના ટુકડા નહીં થવા દઉં. કેટલાક લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે મુંબઈને અલગ કરી દેવામાં આવશે, પણ મુંબઈ સિવાય મહારાષ્ટ્ર અપૂર્ણ છે. મુંબઈ અને મહારાષ્ટ્ર સિવાય હિન્દુસ્તાન અપૂર્ણ છે. દેશને પ્રગતિના પથ પર લઈ જવા માટેની તાકાત માત્ર મહારાષ્ટ્રમાં જ છે. વિધાનસભાની ચૂંટણીનાં રિઝલ્ટ ચૂંટણીપંડિતોને વિચારતાં કરી મૂકે એવાં આવશે અને મહારાષ્ટ્રમાં BJP પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.’

ગઈ કાલે તેમણે ધુળે, જલગાંવ અને નાગપુરમાં પ્રચારસભાઓને સંબોધી હતી. તેમણે એમાં શું કહ્યું હતું એની હાઇલાઇટ્સ...

કૉન્ગ્રેસના નેતાઓ કપાસ અને કાંદા વિશે છેલ્લાં ૧૦ વર્ષથી જૂઠાણાં ફેલાવે છે. હવે તેઓ નવું જૂઠાણું ફેલાવી રહ્યા છે કે મોદી આવશે તો મહારાષ્ટ્રના ટુકડા કરી નાખશે. છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિના ટુકડા કરી શકે એવો માણસ જન્મ્યો છે ખરો? જ્યાં સુધી હું દિલ્હીમાં છું ત્યાં સુધી એ શક્ય નહીં બને.

લોકસભાની ચૂંટણી વખતે પૉલિટિકલ પંડિતો ખોટા ઠર્યા હતા. તેઓ કહેતા હતા કે BJPને ૧૨૦થી વધુ સીટ નહીં મળે, પણ અમે એકલાએ ૨૮૨ સીટો મેળવી અને અમારા સાથીપક્ષો સાથે એ આંકડો ૩૦૦ને પાર કરી ગયો. આ વખતે પણ પૉલિટિકલ પંડિતો કહે છે કે મહારાષ્ટ્રમાં ત્રિશંકુ વિધાનસભા આવશે. આ વખતે પણ તેઓ ખોટા પડવાના છે. મારી રૅલીઓમાં આવતા લોકોનો ઉત્સાહ જુઓ. અહીં BJP બહુમતીથી સરકાર બનાવશે. આ વખતે પણ પૉલિટિકલ પંડિતો ખોટા પડશે એનું મને દુ:ખ થશે.

કૉન્ગ્રેસ અને NCPની સરકારનો ૧૫ વર્ષનો ભ્રષ્ટાચાર ધોવાનો મોકો ૧૫ ઑક્ટોબરે મળવાનો છે. ૧૫ વર્ષનાં પાપ એ દિવસે ધોઈ નાખજો. એ દિવસને પાપ ધોવાના ઉત્સવ તરીકે મનાવજો અને ૧૫ વર્ષના ભ્રષ્ટાચાર અને કષ્ટદાયક દિવસોને બાયબાય કરી દેજો.

આ સરકારે ભ્રષ્ટાચાર કરતાં કોઈને છોડ્યા નથી. બાળકો માટેની મિડ-ડે મીલ યોજનામાં પણ તેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમણે બાળકોને પણ છોડ્યાં નથી. ખેડૂતોને આપવામાં આવતી વીજળી પણ તેઓ ચોરી ગયા અને ખેતી કરનારા ખેડૂતોને તરસ્યા છોડી મૂક્યા છે.

સરકારે સારી યોજના બનાવી નથી એથી ગામડાના યુવાનો શહેરમાં નોકરીની તલાશમાં ગયા છે. ગરીબ લોકોની શું મજબૂરી હોય છે એ હું જાણું છું. બીમાર માતા માટે દવા ખરીદવાના પૈસા ન હોય એની પીડાની તેને જ ખબર હોય. હું ઇચ્છુ છું કે યુવાનોને ગામડાં ન છોડવાં પડે, તેમનાં મા-બાપને એકલાં ન મૂકવાં પડે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધોની બાબતમાં હું તો ટીમ ઇન્ડિયાના સ્પિરિટમાં માનું છું. પ્રાઇમ મિનિસ્ટર અને રાજ્યોના ચીફ મિનિસ્ટર એક ટીમ તરીકે કામ કરે એ રીતે મારે વિકાસ જોઈએ છે. જો નૉન-BJP સરકાર આવશે તો એક ને એક બે થશે પણ BJPની સરકાર આવશે તો એક ને એક ૧૧ થશે.

હું વડા પ્રધાન કે મિનિસ્ટરના ઘરમાં નહોતો જન્મ્યો. મારો જન્મ ગરીબ ઘરમાં થયો હતો અને એથી મારે મારા જેવા ગરીબોની સેવા કરવી છે.

મહારાષ્ટ્રના વિભાજનની વાત કોણે કરી હતી?

મહારાષ્ટ્રનું વિભાજન કરવામાં આવશે એવી વાત કૉન્ગ્રેસના નેતાઓએ કરી હતી એવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે, પણ હકીકતમાં આ વાત શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેએ ઉસ્માનાબાદ જિલ્લાના તુળજાપુરમાં એક રૅલીને સંબોધવા દરમ્યાન સોમવારે કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ એમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને પ્રોગ્રેસના નામે BJP રાજ્યના ટુકડા કરવા માગે છે. તેમને મતદારો જ જવાબ આપશે. જો તમારે મહારાષ્ટ્રને તૂટતું જોવું હોય તો BJPને મત આપજો.’