ચીની સૈનિકોએ ભારતીય જવાનોને ધક્કા માર્યા, બે બન્કરો તોડી પાડ્યાં

27 June, 2017 05:13 AM IST  | 

ચીની સૈનિકોએ ભારતીય જવાનોને ધક્કા માર્યા, બે બન્કરો તોડી પાડ્યાં



ચીની લશ્કરે ફરી ભારતના પ્રદેશમાં ઘૂસણખોરી કરીને સરહદનું રક્ષણ કરતા ભારતના સૈનિકો સાથે ધક્કામુક્કી કરી હતી અને ભારતીય લશ્કરનાં બે બન્કરનો નાશ કર્યો હતો.

સિક્કિમના દોકા લા જનરલ એરિયામાં છેલ્લા દસ દિવસથી ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે આ સંઘર્ષ ચાલી રહ્યો છે અને ચીની લશ્કરે તાજેતરમાં કૈલાસ-માનસરોવરના ૪૭ યાત્રાળુઓને એન્ટ્રી પણ આપી નહોતી.

ચીની સૈનિકોને ભારતીય સીમાની અંદર આગળ વધતા રોકવા માટે ભારતીય સૈનિકોએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ચીની સૈનિકોને રોકવા માટે ભારતના જવાનોએ LoAC પર રીતસર માનવદીવાલ રચવી પડી હતી. કેટલાક ચીની સૈનિકોએ એ ઘટનાના વિડિયો અને ફોટોગ્રાફ્સ લીધા છે. દોકા લા ક્ષેત્રના લાલટેન વિસ્તારમાંનાં બે બન્કરનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
   
૨૦ જૂને બન્ને પક્ષોના વરિષ્ઠ લશ્કરી અફસરોની ફ્લૅગ-મીટિંગ યોજાયા છતાં LoAC પર તંગદિલી વધી રહી છે. સિક્કિમ-ભુતાન અને તિબેટની સરહદોના ત્રિવેણી સંગમ પાસેના દોકા લા ક્ષેત્રમાં ચીની લશ્કરની ઘૂસણખોરીનો આ પહેલો બનાવ નથી. ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં ચીની લશ્કરી દળોએ કેટલાંક હંગામી લશ્કરી બન્કર્સનો નાશ કર્યો હતો.    

માનસરોવરના યાત્રાળુઓને એન્ટ્રી ન આપવા બદલ ભારત-ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે

તિબેટસ્થિત કૈલાસ-માનસરોવર યાત્રામાં ગયા અઠવાડિયે સિક્કિમના નથુ-લા-પાસના માર્ગે ૪૭ ભારતીયોને પ્રવેશ નકારવા બાબતે ભારત સાથે વાતચીત ચાલુ હોવાનું ચીન તરફથી જણાવવામાં આવ્યું હતું. ચીનના વિદેશ-મંત્રાલયના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉપલબ્ધ માહિતી પ્રમાણ બન્ને સરકારોના વિદેશ-વિભાગો એ વિષય પર ચર્ચા કરી રહ્યા છે.