દુનિયાની કોઈ પણ તાકાત ભારતની એક ઇંચ જમીન છીનવી શકે એમ નથી: રાજનાથ સિંહ

18 July, 2020 12:01 PM IST  |  Leh | Agencies

દુનિયાની કોઈ પણ તાકાત ભારતની એક ઇંચ જમીન છીનવી શકે એમ નથી: રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પોતાની બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે લેહના સ્તાકનમાં ભારતીય સેનાના એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો. સ્તાકનમાં ભારતીય સેનાના ખાસ કાર્યક્રમમાં જવાનોએ પૅરા ડ્રૉપિંગ અને અન્ય કરતબોથી શક્તિનું ખાસ પ્રદર્શન કર્યું. આ દરમ્યાન સેનાના અધિકારીઓ સાથે રક્ષાપ્રધાન ખુદ એક રાઇફલથી નિશાન લગાવતા દેખાયા હતા.

લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલની મુલાકાતે પહોંચેલા રાજનાથ સિંહે જવાનોને સંબોધતાં કહ્યું કે ભારતની એક ઇંચ જમીનને કોઈ લઈ શકતું નથી. ભારતીય સેના પર આપણને ગર્વ છે. હું જવાનોની વચ્ચે આવીને ગૌરવ મહેસૂસ કરી રહ્યો છું. આપણા જવાનો શહીદ થયા છે એનું દુઃખ ૧૩૦ કરોડ ભારતવાસીઓને પણ છે.

લેહની લુકુંગ ચોકી પર પહોંચેલા રાજનાથ સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં જે પણ વાતચીતની પ્રગતિ થઈ છે એના પરથી મામલાનો ઉકેલ આવવો જોઈએ. ક્યાં સુધીમાં ઉકેલ આવશે એની ગૅરન્ટી નથી, પરંતુ એટલો વિશ્વાસ હું ચોક્કસ અપાવવા માગું છું કે ભારતની એક ઇંચ જમીનને પણ દુનિયાની કોઈ તાકાત અડી શકે એમ નથી, એના પર કોઈ કબજો કરી શકે એમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત છે. એને કોઈ સ્પર્શ પણ કરી શક્શે નહીં.

જવાનોને સંબોધિત કરતાં રાજનાથ સિંહે કહ્યું કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જે આખા વિશ્વને શાંતિનો સંદેશ આપે છે. આપણે કોઈ પણ દેશ પર કયારેય આક્રમણ કર્યું નથી અને ન તો કોઈ દેશની જમીન પર આપણે કબજો કર્યો છે. ભારતે વસુધૈવ કુંટુમ્બકમનો સંદેશ આપ્યો છે.

rajnath singh leh indian army national news