28 January, 2026 07:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન હેઠળ અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલો નવી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. ભારતભરના અમેરિકન કૉન્સ્યુલેટ્સે H-1B વીઝા-સ્ટૅમ્પિંગ ઇન્ટરવ્યુ ૨૦૨૭ સુધી મુલતવી રાખ્યા છે, જેને કારણે હજારો લોકો માટે મુસાફરીનાં ટાઇમટેબલ અને નોકરીની યોજનાઓ ખોરવાઈ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કલકત્તામાં વીઝા-ઑફિસો હાલમાં નિયમિત ઇન્ટરવ્યુ-સ્લૉટ માટે કોઈ ઉપલબ્ધતા બતાવતી નથી જેને કારણે અરજદારો પાસે થોડા વિકલ્પો બાકી છે.
ડિસેમ્બર ૨૦૨૫માં આ મુશ્કેલી શરૂ થઈ હતી. કારણ કે એ મહિના માટે નિર્ધારિત ઇન્ટરવ્યુને માર્ચ ૨૦૨૬માં ખસેડવામાં આવ્યા હતા. આ પછી એને ઑક્ટોબર ૨૦૨૬ સુધી મુલતવી રાખવામાં આવ્યા અને હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવ્યા છે જેને કારણે બૅકલૉગમાં વધારો થયો છે.
H-1B વીઝા સંદર્ભમાં ટ્રમ્પ પ્રશાસને ૨૦૨૫માં ૨૯ ડિસેમ્બરે સુધારેલા નિયમો બહાર પાડ્યા હતા. વાર્ષિક ક્વોટા ૮૫,૦૦૦ વીઝા છે. નવા માળખા હેઠળ હવે લૉટરીમાં પગાર અને અનુભવનું સ્તર વધુ મહત્ત્વનું છે. લૉટરી-વિન્ડો માર્ચની શરૂઆતમાં ખૂલવાની અપેક્ષા છે. સ્ક્રીનિંગની કડક આવશ્યકતાઓને કારણે પ્રોસેસિંગ સમય પણ લંબાયો છે.