લૉનના વ્યાજ પર વ્યાજ નહીં : સરકારની સુપ્રીમ કોર્ટમાં રાહતની ગૅરન્ટી

04 October, 2020 10:00 AM IST  |  Mumbai | Agencies

લૉનના વ્યાજ પર વ્યાજ નહીં : સરકારની સુપ્રીમ કોર્ટમાં રાહતની ગૅરન્ટી

સુપ્રીમ કોર્ટ

બે કરોડ રૂપિયા સુધીનાં ધિરાણો પર ચક્રવૃદ્ધિ વ્યાજ છ મહિના માફ કરવા કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અદાલત સમક્ષ સંમત થઈ છે. કોરોના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલું છ મહિનાના મૉરેટોરિયમને મંજૂર કરતાં વ્યક્તિગતરૂપે ધિરાણ લેનારા તેમ જ નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત થશે. મૉરેટોરિયમના અનુસંધાનમાં સંસદની અનુમતિ લઈને ઉચિત ગ્રાન્ટ્સ આપવાની બાંયધરી પણ કેન્દ્ર સરકારે આપી હતી. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે એ ગ્રાન્ટ્સ ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર પૅકેજિસ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને ૩.૭ લાખ કરોડ રૂપિયાની સહાય તેમ જ હોમ લોન માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી ઉપરાંતની રકમ રહેશે.
કેન્દ્રના નાણાં મંત્રાલયે ભારત સરકાર તરફથી ફાઇલ કરેલી ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે મૉરેટોરિયમના ગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ)માં રાહત તમામ કૅટેગરીમાં ધિરાણ લેનારા વર્ગોને લાગુ કરવામાં આવશે. એ ધિરાણ લેનારા વર્ગો મૉરેટોરિયમનો લાભ લીધો છે કે નહીં, એની કોઈ દરકાર રાખ્યા વગર ધિરાણો લેનારા મર્યાદિત વર્ગોને લાગુ કરવામાં આવશે. એ મર્યાદિત વર્ગોમાં બે કરોડ રૂપિયા સુધીની લોન લેનારા નાના અને મધ્યમ ઉદ્યોગો તેમ જ વ્યક્તિગતરૂપે ધિરાણ લેનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

national news supreme court