સ્વિસ બૅન્કોમાં છેલ્લા દાયકામાં કેટલું બ્લૅક મની જમા થયાં એનો અંદાજ નથી : સરકાર

27 July, 2021 02:03 PM IST  |  New Delhi | Agency

કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે? ભારતમાં કેટલું કાળું નાણું આવવાનું છે અને કોની પાસેથી અને ક્યાંથી એ આવશે?

સ્વિસ બૅન્કોમાં છેલ્લા દાયકામાં કેટલું બ્લૅક મની જમા થયાં એનો અંદાજ નથી : સરકાર

લાંબા સમય પછી ફરી એક વાર સંસદમાં કાળાં નાણાંનો મુદ્દો ઊઠ્યો છે. કૉન્ગ્રેસના સંસદસભ્ય વિન્સેન્ટ એચ. પાલાએ સંસદમાં સરકારને પૂછ્યું કે શું સરકાર જાહેર કરશે કે છેલ્લાં ૧૦ વર્ષમાં સ્વિસ બૅન્કોમાં કેટલું કાળું નાણું એકઠું થયું છે અને વિદેશથી કાળું નાણું પાછું લાવવા સરકારે શું પગલાં લીધાં છે? કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે? ભારતમાં કેટલું કાળું નાણું આવવાનું છે અને કોની પાસેથી અને ક્યાંથી એ આવશે?
વિપક્ષના આ પ્રશ્નના જવાબ નાણાં રાજ્યપ્રધાન પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્વિસ બૅન્કોમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કેટલું કાળું નાણું જમા થયું છે એનો સત્તાવાર અંદાજ નથી. જોકે સરકારે કાળું નાણું પાછું લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે.
સરકાર એક કાયદો ૨૦૧૫માં લઈ આવી હતી જે વિદેશમાં જમા કરાયેલાં નાણાંના કેસને અસરકારક રીતે વ્યવહાર કરે છે. કાળાં નાણાંને લઈને વિશેષ તપાસ-ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હતી. અધ્યક્ષ અને વાઇસ ચૅરમૅન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. અન્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ, ડબલ ટૅક્સેશન એવિડન્સ ઍગ્રીમેન્ટ્સ (ડીટીએએ) / ટૅક્સ ઇન્ફર્મેશન એક્સચેન્જ કરાર હેઠળ માહિતી શૅર કરી રહ્યા છીએ. આ સિવાય અમેરિકા સાથે સમજૂતી પણ કરવામાં આવી છે. યુએસ સાથે ફૉરેન અકાઉન્ટ ટૅક્સ કમ્પ્લાયન્સ ઍક્ટ હેઠળ ઇન્ફર્મેશન શૅર ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.
સરકારે કહ્યું કે ૧૦૭ બ્લૅક મની ઍક્ટ હેઠળ ૧૦૭ ફરિયાદો નોંધાઈ છે. બ્લૅક મની ઍક્ટની કલમ ૧૦(૩)/૧૦(૪) હેઠળ, ૩૧ મે ૨૦૨૧ સુધી ૧૬૬ કેસમાં અસેસમેન્ટ ઑર્ડર જારી કરવામાં આવ્યા છે, જેમાં ૮૨૧૬ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

national news