13 April, 2025 08:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેની ટિકિટોનું વેચાણ કરતી ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઍર કન્ડિશન્ડ (AC) કે નૉન-ઍર કન્ડિશન્ડ (Non-AC) ક્લાસમાં બુકિંગના સમયમાં આવા કોઈ ફેરફારનો પ્રસ્તાવ પણ નથી. એજન્ટો માટે પરવાનગી આપેલો બુકિંગ સમય પણ યથાવત્ છે.
તત્કાલ ઈ-ટિકિટ પસંદ કરાયેલી ટ્રેનો માટે ટ્રેન જ્યાંથી શરૂ થાય છે એ સ્ટેશનથી મુસાફરીની તારીખને બાદ કરતાં એક દિવસ અગાઉ બુક કરી શકાય છે. AC ક્લાસ (2A/3A/CC/EC/3E) માટે શરૂઆતના દિવસે સવારે ૧૦ વાગ્યાથી અને Non-AC ક્લાસ (SL/FC/2S) માટે સવારે ૧૧ વાગ્યાથી બુકિંગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે બીજી ઑગસ્ટે ઊપડનારી ટ્રેન માટે આગલા દિવસે એટલે કે પહેલી ઑગસ્ટે AC ક્લાસ માટે તત્કાલ બુકિંગ ૧૦ વાગ્યે અને Non-AC ક્લાસ માટે ૧૧ વાગ્યે બુકિંગ શરૂ થશે. તત્કાલ ઈ-ટિકિટ પર એક PNR પર મહત્તમ ચાર મુસાફરોનું બુકિંગ કરી શકાય છે.