ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલરના છે આ ફાયદા

17 December, 2020 08:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલરના છે આ ફાયદા

તસવીર સૌજન્યઃ નીતિન ગડકરીનું ટ્વીટર અકાઉન્ટ

ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી માહિતી આપતા કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

KVICના ચેરમેન વી. કે. સક્સેના જણાવ્યું હતું કે આ કલરનું લોન્ચિંગ 12 જાન્યુઆરીએ કરવામાં આવશે. બજારમાં એન્ટી બેક્ટેરિયલ પેઈન્ટનો ભાવ રૂ. 550 પ્રતિ લિટર કે એનાથી વધુ હોય છે, એની સરખામણીએ વૈદિક પેઈન્ટ માત્ર રૂ. 225માં મળશે. સામાન્ય રીતે એક ગાય પાસેથી દૈનિક 30 કિલો સુધીનું છાણ મળી રહે છે. રૂ. 5 પ્રતિ કિલોના હિસાબે ગણતરી કરીએ તો એ મુજબ પશુપાલકો અને ખેડૂતોને એક ગાયમાંથી રૂ. 150ની વધારાની આવક થઇ શકે છે. એનાથી પશુપાલન કરતા ખેડૂતોને વર્ષે 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે. ડિસ્ટેમ્પર અને પ્રવાહી મિશ્રિત આ વૈદિક કલર ઇકો ફ્રેન્ડલી, બિનઝેરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને વોશેબલ હશે તેમજ એ ફક્ત ચાર કલાકમાં જ સુકાઈ જશે.

આ કલરનું રાજસ્થાનના જયપુરમાં વૈદિક પેઈન્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે. વૈદિક કલરનું KVIC પોતે પણ વેચાણ કરશે તેમજ દેશભરમાં એજન્સી આપવાનો પણ પ્લાન છે. સક્સેનાએ જણાવ્યું હતું કે ખાદી બોર્ડ તેના રિટેલ કાઉન્ટર પરથી આ કલરનું દેશભરમાં જાન્યુઆરીથી વેચાણ શરૂ કરશે. આ સાથે જ ઓનલાઈન પણ એનું વેચાણ કરવામાં આવશે. અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા વૈદિક પેઈન્ટના વેચાણ માટે એજન્સી પણ આપવામાં આવશે.

આ પ્રોડક્ટ લોન્ચ કરવા પાછળ અમારો ઈરાદો રોજગારી સર્જન કરવાનો છે. ગાયના છાણમાંથી કલર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા અંદાજે રૂ. 25 લાખના રોકાણની જરૂર પડે છે. એક પ્લાન્ટ ઓછામાં ઓછા 10 લોકોને રોજગારી આપશે. જેને આ પ્લાન્ટ સ્થાપવો હોય તેમને KVIC ટ્રેનિંગ આપશે. આ સાથે જ પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ લોન પણ આપવામાં આવશે.

nitin gadkari