કામ નહીં કરો તો જનતાને ‘ધુલાઈ’ કરવાનો છૂટો દોર આપીશ:નીતિન ગડકરી

18 August, 2019 10:40 AM IST  |  નાગપુર

કામ નહીં કરો તો જનતાને ‘ધુલાઈ’ કરવાનો છૂટો દોર આપીશ:નીતિન ગડકરી

નીતિન ગડકરી

નોકરશાહોની દાદાગીરી નહીં ચલાવી લેવાનો સંકેત કેન્દ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે સરકારી કર્મચારીઓને આપ્યો હતો. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની શાખા લઘુ ઉદ્યોગ ભારતીના નિર્ભયતાપૂર્વક વેપાર-ધંધાના વિસ્તાર વિશેના સંમેલનને સંબોધતાં સરકારી અધિકારીઓ દ્વારા ઉદ્યોગપતિઓની થતી હેરાનગતી સામે ગડકરીએ રોષ વ્યક્ત કર્યો હતો.

નાના અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયનો પણ અખત્યાર સંભાળતા અને લોકસભામાં નાગપુરનું પ્રતિનિધિત્વ કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘આ નોકરશાહી કે તુમારશાહી શાની ચાલે? આ બધા ઇન્સ્પેક્ટરો શાના આવે? એ લોકો હપ્તા લે છે. હું એમને મોઢામોઢ કહું છું કે ‘તમે સરકારી નોકરી કરો છો અને મને જનતાએ ચૂંટીને સંસદમાં મોકલ્યો છે. મારે જનતાને જવાબ આપવાનો હોય છે. તમે ચોરી કરશો તો હું કહીશ કે તમે ચોર છો. આજે મેં આરટીઓ ઑફિસમાં યોજેલી મીટિંગમાં ડિરેક્ટર અને ટ્રાન્સપોર્ટ કમિશનર પણ હાજર હતા. મેં એમને કહ્યું કે જનતાની આ સમસ્યાઓનો આઠ દિવસમાં ઉકેલ લાવો. અન્યથા હું નાગરિકોને કાયદો હાથમાં લઈને સંબંધિત સરકારી અધિકારીઓને ઝૂડવા માટે કહી દઈશ... જાઓ ‘ધુલાઈ કરો...’ મારા શિક્ષકે મને શીખવ્યું છે કે જે તંત્ર ન્યાયી ન હોય એ તંત્રને ઉખાડી ફેંકો.’ જોકે જનતાની કઈ સમસ્યા બાબતે ‘ધુલાઈ કરો’નું એલાન કર્યું છે એ બાબતની સ્પષ્ટતા નીતિન ગડકરીએ કરી નહોતી.

nagpur national news nitin gadkari