ગડકરીને મુદ્દે બીજેપીમાં ભાગલા, નારાજ અડવાણી બેઠકમાં ગેરહાજર

07 November, 2012 03:27 AM IST  | 

ગડકરીને મુદ્દે બીજેપીમાં ભાગલા, નારાજ અડવાણી બેઠકમાં ગેરહાજર



ભ્રષ્ટાચારના ઉપરાછાપરી આક્ષેપો અને છેલ્લે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચેની કથિત સરખામણીને કારણે વિવાદોમાં ઘેરાયેલા નીતિન ગડકરીને બીજેપીના પ્રમુખપદે ચાલુ રાખવા કે નહીં એ વિશે નિર્ણય લેવા ગઈ કાલે દિલ્હીમાં પાર્ટીની કોર કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં ગડકરીને ક્લીન-ચિટ આપવામાં આવી હતી અને પાર્ટીએ તેમનામાં પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જોકે બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અડવાણી સહિતના પાર્ટીના કેટલાક ટોચના નેતાઓ ગડકરીથી નારાજ છે. કાલે કોર કમિટીની બેઠક બાદ બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગડકરી દ્વારા કાનૂની કે નૈતિક દૃષ્ટિએ કોઈ પણ ખોટું કામ કરવામાં આવ્યું નથી.  

ગડકરીને મુદ્દે ડખા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગડકરીથી અડવાણી નારાજ છે. એટલું જ નહીં, પાર્ટીમાં ગડકરીને મુદ્દે ભાગલા પડી ગયા છે. ગડકરીને દૂર કરવાના અભિયાનનું નેતૃત્વ સંભાળનાર પીઢ વકીલ રામ જેઠમલાણીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે પાર્ટીના સિનિયર નેતા યશવંત સિંહા, જસવંત સિંહ તથા શત્રુઘ્ન સિંહા પણ પ્રમુખપદેથી ગડકરીને દૂર કરવા માગે છે. ગઈ કાલે એવા પણ અહેવાલો આવ્યા હતા કે સુષમા સ્વરાજ પણ ગડકરીને દૂર કરવાની તરફેણ કરી રહ્યાં છે. જોકે બાદમાં સ્વરાજે પોતે ગડકરીની પડખે હોવાનું જણાવતાં આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. ગઈ કાલે કોર કમિટીની બેઠક અગાઉ સુષમા સ્વરાજ, અનંતકુમાર અને બલબીર પુંજ સહિતના નેતાઓએ મળીને અડવાણીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આરએસએસના નેતા એસ. ગુરુમૂર્તિએ પણ અડવાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાર્ટી ફરી ગડકરીના પડખે


કોર કમિટીની બેઠકમાં સર્વાનુમતે નીતિન ગડકરીને પાર્ટીપ્રમુખ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે બાદમાં કહ્યું હતું કે ગુરુમૂર્તિએ ગડકરી સામેના તમામ આક્ષેપોની તપાસ કરી હતી. આ તપાસમાં ગડકરીએ કાનૂની કે નૈતિક દૃષ્ટિએ કશું જ ખોટું નથી કર્યું એ પુરવાર થયું હતું. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ગુરુમૂર્તિએ ગડકરીની કંપની પૂર્તિ પાવર ઍન્ડ સુગર લિમિટેડમાં થયેલાં રોકાણો બાબતે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં ગડકરી હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે મુખ્તાર અબ્બાસ નકવી અને વિનય કટિયાર વચ્ચે પણ બેઠક થઈ હતી. આ બન્ને નેતાઓનું પણ માનવું છે કે ગડકરી સામેના આક્ષેપોને કારણે પાર્ટીની નુકસાન થયું છે.

ગડકરીએ વિવેકાનંદ વિશેની કમેન્ટ બદલ ખેદ વ્યક્ત કર્યો

ભોપાલમાં સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે સરખામણી કરતી કમેન્ટ બદલ ચોતરફથી વિરોધ થતાં ગઈ કાલે બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ પોતાના આ નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે ‘મેં સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે સરખામણી કરી ન હતી, પણ જો મારા નિવેદન બદલ કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું હૃદયપૂર્વક ખેદ વ્યક્ત કરું છું.’

રવિવારે ભોપાલમાં એક કાર્યક્રમ દરમ્યાન ગડકરીએ કહ્યું હતું કે સાઇકોલૉજીની રીતે જોઈએ તો સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમનો બુદ્ધિઆંક સરખો છે; પણ વિવેકાનંદે પોતાની બુદ્ધિનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ માટે કર્યો હતો, જ્યારે દાઉદે ગુનાખોરી આચરવા બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. બીજેપીપ્રમુખના આ નિવેદન સામે માત્ર કૉન્ગ્રેસે જ નહીં, બીજેપીના પણ કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. બીજેપીના નેતા અને પીઢ વકીલ મહેશ જેઠમલાણીએ ગડકરીને દૂર કરવાની માગણી સાથે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપી દીધું હતું.