વિશ્વમાં ચીન વિરુદ્ધના માહોલનો ફાયદો ઉઠાવી ભારત નિકાસ વધારે : ગડકરી

03 May, 2020 10:37 AM IST  |  New Delhi | Agencies

વિશ્વમાં ચીન વિરુદ્ધના માહોલનો ફાયદો ઉઠાવી ભારત નિકાસ વધારે : ગડકરી

નીતિન ગડકરી

દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે ૧૭ મે સુધીના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લૉકડાઉનના કારણે અર્થતંત્રને ભારે મોટું નુકસાન થઈ શકે છે. જો કે દેશના લથડાઈ રહેલા અર્થતંત્રને બચાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં જ રાહત પૅકેજની જાહેરાત કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે મહત્તમ ૬૦ અબજ ડૉલર એટલે કે આશરે ૪.૫ લાખ કરોડ રૂપિયા કોરોના સંબંધી ખર્ચ થઈ શકે છે. સરકારને ડર છે કે જો ખર્ચ આનાથી પણ વધી જશે તો ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટશે અને તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન પહોંચશે. રેટિંગ એજન્સી ફિચે જો ભારતનું ફિસ્કલ આઉટલુક વધુ ખરાબ થશે તો રેટિંગ પરનું દબાણ ખૂબ વધી જશે તેમ જણાવ્યું હતું.

ભારત સરકારે પહેલાથી જ ૧.૭ લાખ કરોડ રૂપિયાના રાહત પૅકેજની ઘોષણા કરેલી છે જે જીડીપીના આશરે ૦.૮૦ ટકા જેટલું છે. આ સંજોગોમાં બીજું રાહત પૅકેજ જાહેર કરવા માટે સરકાર પાસે જીડીપીની ૧.૫-૨ ટકા સ્પેસ જ બાકી રહે છે. આ કારણે સરકાર મહત્તમ ત્રણ લાખ કરોડ રૂપિયાના રાહત પૅકેજની જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કોરોના સંકટ વચ્ચે દબાણનો સામનો કરી રહેલા ક્ષેત્રોના સમર્થન માટે શક્યતઃ ગંભીરતાથી રાહત પૅકેજ જાહેર કરવા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ મામલે વડા પ્રધાન સ્તરે નિર્ણય લેવામાં આવશે. ગડકરીએ સરકાર મજબૂતાઈથી ઉદ્યોગોને ટેકો આપી રહી છે તેમ જણાવીને રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન ચાલુ હોવાનું જણાવ્યું હતું.

nitin gadkari national news indian economy