ગાજીપુરમાં નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓએ લીધો કોન્સ્ટેબલનો જીવ

29 December, 2018 10:10 PM IST  | 

ગાજીપુરમાં નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓએ લીધો કોન્સ્ટેબલનો જીવ

ગાજીપુરમાં ભીડે લીધો કોન્સ્ટેબલનો જીવ

ગાજીપુરના નોનહરા પોલીસ સ્ટેશન વિસ્તારના કઠવામોડ પાસે અનામતની માંગણીને લઈને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરી રહેલા નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓને હટાવવા ગયેલી પોલીસ પર આક્રોશિત ભીડે હુમલો કરી દીધો. વડાપ્રધાન મોદીની રેલી બાદ આ ઘટના બની. કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ સુરેશ પ્રતાપ વત્સને શનિવારે સાંજે ઢોર માર મારીને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્ય. DM અને SP જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો આરોપીઓ ભાગી નીકળ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારને 40 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી.

અનામતની માંગણીને લઈને બબાલ

અનામતની માંગણીને લઈને આખા જિલ્લાના નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લાના મુખ્યાલય પર ધરણા કરવા જઈ રહ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તેમને પોલીસ કર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો. જેનાથી નારાજ કાર્યકર્તાઓ સૈદપુર, કરંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભટૌલી અને નોનહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠવામોડ મંગઈ નદીના પુલ પર ધરણા પર બેસી ગયા. વડાપ્રધાન મોદીની સભઆ ખતમ થઈ અને કાર્યક્રમમાં આવેલા લોકો પાછા ફરવા લાગ્યા ત્યારે નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓએ ગાજીપુર-મુહમ્મદાબાદ રસ્તા પર ચક્કાજામ કરી દીધો. પોલીસ કર્મચારીઓ જ્યારે જામને ખોલાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર બની ગયા અને પથ્થરમારો કરવા લાગતા ભાગદોડ મચી ગઈ.

જિલ્લા હૉસ્પિટલમાં મોત

વિવાદ વચ્ચે નિષાદ પાર્ટીના કાર્યકર્તાએ કૉન્સ્ટેબલ સુરેશ પ્રતાપ પર હુમલો કર્યો અને તેને માર માર્યો. માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેઓ ઘટનાસ્થળે જ બેહોશ થઈ ગયા. લોહીલોહાણ સ્થિતિમાં તેમને જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

આ પણ વાંચોઃ અપના દલે PM મોદીના ગાજીપુર કાર્યક્રમનો કર્યો બહિષ્કાર


ભાજપના કાર્યકર્તાઓના વાહનો પર પણ હુમલો

વડાપ્રધાનના કાર્યક્રમમાંથી પાછા ફરી રહેલા ભાજપના નેતાઓના વાહનો પર શરૂઆતમાં નિષાદ પાર્ટીના કાર્યકર્તાઓએ ઈંટ અને પથ્થરો ફેંક્યા. જે બાદ બંને પાર્ટીના કાર્યકર્તાઓમાં તકરાર પણ થઈ હતી.