નિર્મલા સીતારમણે સંસદમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ પર વરસાવી ટીકા

14 February, 2021 12:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નિર્મલા સીતારમણે સંસદમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ પર વરસાવી ટીકા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે લોકસભામાં બજેટ પરની ચર્ચાના જવાબમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના ‘બજેટ સ્પીચનો પાયો રચતા’ વક્તવ્યના દસ મુદ્દાને અલગ તારવીને ચૂંટી ચૂંટીને વિપક્ષો અને ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા હતા. વિરોધ પક્ષોએ બજેટ પરની ચર્ચાને રાજકીય રૂપ આપવા સામે વાંધો ઉઠાવવા છતાં નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીના વક્તવ્યથી જાગતી અપેક્ષાઓ અને નિરાશાઓ વર્ણવી હતી. નાણાપ્રધાને રાહુલ ગાંધીને કયામતના સોદાગર ગણાવતાં અંગ્રેજી કૉમિક બુક્સના નકારાત્મક પાત્ર સાથે સરખાવતાં ‘ડૂમ્સ ડે મૅન ઑફ ઇન્ડિયા’ ગણાવ્યા હતા. તેઓ હંમેશાં ખોટી ચર્ચાઓ કરે છે, દેશને તોડતી તાકાતો સાથે ઊભા રહે છે તેમ જ સંવિધાનિક સંસ્થાઓનું અપમાન કરે છે.

નાણાપ્રધાને બજેટની ચર્ચાની પૂર્ણાહુતિ કરતાં જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે કેન્દ્રની અને રાજ્યોની ચૂંટણીઓના જાહેરનામાઓમાં જનતાને જે વચનો આપ્યાં હતાં એ પાળવામાં નાદારી દાખવી છે. કૃષિ ક્ષેત્રમાં સુધારાથી માંડીને ખેડૂતોની લોન માફ કરવા સુધી અનેક બાબતોમાં કૉન્ગ્રેસે વચનો નિભાવ્યાં નથી. કૉન્ગ્રેસે બધાં વચનો પાળવામાં ‘યુ’ ટર્ન લીધો છે. વિરોધ પક્ષોમાં મનમોહન સિંહ જેવા સન્માનનીય નેતા પણ છે અને સંસદ જેવી બંધારણીય સંસ્થા પ્રત્યે માન ન ધરાવતા નેતા પણ છે.’

નિર્મલા સીતારમણે બજેટની ચર્ચાનું સમાપન કરતી વેળા રાહુલ ગાંધીના વક્તવ્યને ૧૦ મુદ્દામાં વહેંચીને જવાબ આપવા ઉપરાંત બજેટની જોગવાઈઓ સંદર્ભે સંસદસભ્યોના સવાલોના જવાબો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે ‘ખેડૂતો પાસેથી સાવ સસ્તા ભાવે પડાવી લીધેલી જમીનો તેમને પાછી આપી દેવાનો આદેશ ‘જમાઈરાજા’ને શા માટે ન આપ્યો, તેની પણ તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ. તેઓ ‘હમ દો, હમારે દો’ને નામે સરકાર પર પક્ષપાતી વલણના આરોપો મૂકે છે, પરંતુ એ સંસ્કૃતિનો આરંભ કરીને પ્રોત્સાહિત કરનારા તેઓ જ છે.

રાહુલજી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ વિશે બોલીને તેમને માટે માન વ્યક્ત કરશે એવી અપેક્ષા હતી. તેમણે ડૉ. મનમોહન સિંહનું અપમાન કર્યું છે. તેઓ મોદીનું પણ અપમાન કરે છે. એપીએમસી બજારો ક્યાં બંધ થયાં તેની વાત રાહુલ ગાંધીએ કરવી જોઈએ.’

નાણાપ્રધાનને મોકલાઈ નોટિસ

ગઈ કાલે બજેટની ચર્ચાની પૂર્ણાહુતિ વેળાના વક્તવ્યમાં રાહુલ ગાંધીને અંગ્રેજી કૉમિક બુકના નકારાત્મક પાત્ર સાથે સરખાવતાં ‘ડૂમ્સ ડે મૅન ઑફ ઇન્ડિયા’ એટલે કે કયામતનો સોદાગર તરીકે વર્ણવવા બદલ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે વિશેષાધિકાર ભંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. ગઈ કાલે લોકસભામાં નાણાપ્રધાનના બજેટ પરની ચર્ચા આટોપી લેતાં વક્તવ્ય બાદ કૉન્ગ્રેસના સંસદસભ્ય ટી. એન. પ્રતાપને કેરળના વાયનાડ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય રાહુલ ગાંધી માટે વિશેષણ બદલ નિર્મલા સીતારમણ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. પ્રતાપને જણાવ્યું હતું કે સીતારમણે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ માટે અપશબ્દ વાપરીને તેમના વિશેષાધિકારનો ભંગ કર્યો છે.

national news nirmala sitharama