29 October, 2026 08:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
રાહુલ ગાંધીએ તાતા ગ્રુપ વિશે આપેલા નિવેદન પર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આકરો વળતો પ્રહાર કર્યો હતો. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાએ દરેક મુદ્દાનું રાજકીયકરણ કરવાનું ટાળવું જોઈએ, કોઈ પણ કાનૂની અને વ્યાવસાયિક બાબતોને ગુનાહિત ગણાવવી એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
તેમણે રાહુલ ગાંધી પર દેશના ઉદ્યોગપતિઓને ભડકાવીને અવિશ્વાસનું ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. નાણાપ્રધાને યાદ અપાવ્યું હતું કે કૉન્ગ્રેસ પાર્ટીએ દાયકાઓ સુધી લાઇસન્સ ક્વોટા રાજ ચલાવીને ઉદ્યોગપતિઓની ભાવનાને દબાવી રાખી હતી અને કરોડો ભારતીયોને ગરીબીમાં ધકેલી દીધા હતા, જ્યારે વર્તમાન સરકાર દેશના ઉદ્યોગોને રોજગારી અને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન માનીને તેમને સંપૂર્ણ પ્રોત્સાહન આપી રહી છે. સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રધાનોએ હંમેશાં કોર્ટ અને ન્યાયતંત્રનું અપમાન જ કર્યું છે. ભારતીય બંધારણ સૌને ન્યાયની ખાતરી આપે છે એમ કહીને નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને દરેક જગ્યાએ ભૂત જોવાનું બંધ કરવાની સલાહ પણ આપી હતી.