વેન્કૈયા નાયડુ કન્નડ ન શીખ્યા એટલે કર્ણાટકમાંથી પત્તું કટ થયું

01 June, 2016 05:13 AM IST  | 

વેન્કૈયા નાયડુ કન્નડ ન શીખ્યા એટલે કર્ણાટકમાંથી પત્તું કટ થયું


કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે રાજ્યસભાની ચૂંટણી માટે કર્ણાટકમાંથી ઉમેદવારી નોંધાવી ત્યાર બાદ તેમણે આઉટસાઇડરનું મહેણું હવે પછી કોઈ મારે નહીં એ માટે કન્નડ ભાષા શીખવાનું અને કર્ણાટકનાં હિતોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી ૧૧ જૂને યોજાશે.

ઉમેદવારીપત્ર ફાઇલ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે સંસદમાં કર્ણાટકનાં હિતોનું રક્ષણ થાય એનું હું ધ્યાન રાખીશ.

વાસ્તવમાં કેન્દ્રીય પ્રધાન વેન્કૈયા નાયડુ કર્ણાટકમાંથી ફરી ઉમેદવારી નોંધાવવાના હતા, પણ કન્નડ ગ્રુપો અને લોકોના વિરોધને કારણે ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ નાયડુના સ્થાને નિર્મલા સીતારામનને કર્ણાટકમાંથી ઊભાં રાખવાનો નિર્ણય લીધો હતો. નાયડુને રાજસ્થાનમાંથી ઉમેદવારી આપવામાં આવી છે.

નાયડુની ફેર-ઉમેદવારી સામે સોશ્યલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વિરોધીઓનું કહેવું હતું કે તે કર્ણાટકમાંથી ત્રણ મુદત માટે ચૂંટાયા હોવા છતાં તેમણે કર્ણાટક માટે કંઈ કર્યું નથી અને કન્નડ ભાષા પણ તે શીખ્યા નથી.