તિહાડ જેલ-પ્રશાસને નિર્ભયાના દોષીઓને પૂછ્યું, ‘પરિવારને ક્યારે મળશો?’

23 February, 2020 07:31 AM IST  |  New Delhi

તિહાડ જેલ-પ્રશાસને નિર્ભયાના દોષીઓને પૂછ્યું, ‘પરિવારને ક્યારે મળશો?’

નિર્ભયા ગૅન્ગરેપ અને મર્ડરકેસના 4 આરોપીઓ

નિર્ભયા ગૅન્ગરેપ અને મર્ડરકેસમાં ૪ દોષીઓને તિહાડ જેલ-પ્રશાસન દ્વારા લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના પરિવાર સાથે ક્યારે અંતિમ મુલાકાત કરવા ઇચ્છે છે એ જણાવી દે. નવા આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુકેશ અને પવન પરિવાર સાથે અંતિમ મુલાકાત કરી ચૂક્યા છે. સાપ્તાહિક મુલાકાત અત્યારે ચારેય લોકોની ચાલુ છે.

નિર્ભયાના ચારેય દોષીઓને ત્રીજી માર્ચે સવારે ૬ વાગ્યે ફાંસી આપવાનું ત્રીજું ડેથ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે ૧૭ ફેબ્રઆરીએ આ નવું ડેથ વૉરન્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે કાયદાકીય પેંતરાઓના કારણે નિર્ભયાના દોષીઓની ફાંસી સતત ટળી રહી છે.

નિર્ભયા ગૅન્ગરેપ કેસમાં ૪ દોષીઓ મુકેશ કુમાર સિંહ, વિનય કુમાર શર્મા, અક્ષય અને પવન ગુપ્તાને ફાંસી થવાની છે. ચારમાંથી પવન સિવાયના ત્રણ દોષીએ ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજી કરી દીધી છે, પરંતુ એ ફગાવી દેવામાં આવી છે. આમ મુકેશ, વિનય અને અક્ષયને ફાંસી આપવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે, જ્યારે ચોથા દોષી પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજીના બન્ને વિકલ્પ બાકી છે.

નરાધમ પવન ગુપ્તાએ કાનૂની સલાહકારને મળવાનો કર્યો ઇનકાર

૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગૅન્ગરેપ કેસમાં ચારે ગુનેગારોને ફાંસી પર ચડાવવાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે એમ-એમ નવી-નવી વાતો સામે આવી રહી છે. દોષીઓમાંથી એક પવન ગુપ્તાએ શનિવારે કોર્ટ દ્વારા નિયુક્ત પોતાના કાનૂની સલાહકાર રવિ કાજીને મળવાનો ઇનકાર કરી દીધો છે.

national news tihar jail Crime News