10 July, 2026 03:15 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મૅથ્યુ ઍરોન વૅનડાઈક
આતંકવાદ સંબંધિત કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરાયેલ અને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ અમેરિકી નાગરિક અને કિલર (Mercenary) મૅથ્યુ ઍરોન વૅનડાઈકે જેલમાં પોતાનું ભોજન જાતે રાંધવાની કોર્ટની પરવાનગી માગી છે. તેણે માનવતાવાદી આધાર પર આ વિનંતી કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં એડિશનલ સૅશન્સ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં, વૅનડાઈકે જણાવ્યું હતું કે તે જેલમાં આપવામાં આવતો ખોરાક ખાઈ શક્તો નથી કારણ કે તે વધુ પડતો મસાલેદાર, તેલયુક્ત અને તળેલો હોય છે. તેનો દાવો છે કે, આ કારણોસર, તે 6 મેથી ભૂખ હડતાળ પર છે, જેના કારણે તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે.
વૅનડાઈકે વકીલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં, વૅનડાઈકે જણાવ્યું હતું કે તે અમેરિકન નાગરિક છે અને તેને ભારતીય જેલોમાં આપવામાં આવતા નિયમિત ખોરાકની આદત નથી. તેણે દાવો કર્યો હતો કે જેલનું ભોજન ખાવાથી તેને શારીરિક તકલીફ પડી છે અને તેના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી છે. અરજીમાં નોંધવામાં આવ્યું છે કે તેનું વજન લગભગ 30 પાઉન્ડ (લગભગ 14 કિલોગ્રામ) ઘટી ગયું છે. વધુમાં, પોષણની ખામીઓને કારણે તેને આંખો સંબંધિત સમસ્યાઓનો અનુભવ થવા લાગ્યો છે, અને તેની શક્તિ, સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વેનડાઇકના વકીલે કોર્ટને જાણ કરી હતી કે ન્યાયિક કસ્ટડીમાં તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે માનવતાવાદી ધોરણે વિનંતી કરવામાં આવી છે. અરજીમાં જેલમાં રસોડા જેવી વ્યવસ્થા ગોઠવવાની પરવાનગી માગવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે તેનો પરિવાર રસોઈના સાધનો અને ખાદ્ય પુરવઠાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. તેણે કોર્ટની મસૂર (દાળ), લાલ માંસ, ચિકન, માછલી (ઝીંગા), પાસ્તા, કાચા નૂડલ્સ, ચોખા, બટાકા, ડુંગળી, કઠોળ, મસાલા, બ્રૅડ, માખણ, ઑલિવ તેલ, ટૉન્ડ દૂધ, સોયા મિલ્ક અને બૉટલબંધ પાણી જેવી વસ્તુઓ રાખવાની પરવાનગી પણ માગી છે. વધુમાં, રસોડાના મૂળભૂત ઉપકરણો જેમ કે ઇન્ડક્શન કૂકર, વાસણો, બાઉલ અને પ્લાસ્ટિક ચૉપર રાખવાની પરવાનગી માગી છે જેથી તે પોતાનું ભોજન જાતે તૈયાર કરી શકે.
આ મામલે કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસેથી જવાબ માગ્યો છે અને 21 જુલાઈએ સુનાવણી નક્કી કરી છે. મૅથ્યુ ઍરોન વેનડાઇક પોતાને સુરક્ષા વિશ્લેષક, યુદ્ધ રીપોર્ટર અને ડૉક્યુમેન્ટરી ફિલ્મ મેકર ગણાવે છે. કથિત આતંકવાદી ષડયંત્ર સાથે જોડાયેલા કેસની તપાસ દરમિયાન NIA દ્વારા કોલકાતામાં છ અન્ય વિદેશી નાગરિકો સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.