ન્યૂઝ શોર્ટમાં: દેશમાં શું ચાલી રહ્યું છે? વાંચો માત્ર એક ક્લિકમાં

08 May, 2021 09:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતને મોટા પાયે વૅક્સિન મળશે; રંગાસ્વામી ચોથી વાર પૉન્ડિચેરીના સીએમ અને વધુ સમાચાર

એન. રંગાસ્વામી

ભારતને મોટા પાયે વૅક્સિન મળશે

નવી દિલ્હી: ભારતમાં બીજી લહેર ખૂબ ઘાતક અને ચેપી છે અને એની સામે વૅક્સિનના ડોઝનું પ્રમાણ ઓછું રહેતાં ગઈ કાલે દેશમાં વધુ ૪.૧૪ લાખથી વધુ નવા કેસ ઉમેરાતાં દેશની જનતાને ચિંતા વધી ગઈ છે, પરંતુ હવે રસીનો વિપુલ જથ્થો મળે એવા દિવસો આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ૫૦ લાખ કોવિશિલ્ડ વૅક્સિનના ડોઝ બ્રિટનને નિકાસ કરવાની હતી, પણ હવે એ ભારતમાં વિવિધ રાજ્યોમાં ૧૮-૪૪ વયજૂથના લોકો માટે ઉપલબ્ધ કરાશે. એ ઉપરાંત વૉશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ ભારતને થોડા જ દિવસમાં ૧૯થી ૨૫ કરોડ કોવિડ વૅક્સિનના ફુલ્લી સબસિડાઇઝ્ડ ડોઝ તેમ જ ત્રણ કરોડ ડૉલરનું ભંડોળ મળશે.

 

રંગાસ્વામી ચોથી વાર પૉન્ડિચેરીના સીએમ

પૉન્ડિચેરી: ઑલ ઇન્ડિયા એનઆર કૉન્ગ્રેસ (એઆઇએનઆરસી)ના સ્થાપક નેતા એન. રંગાસ્વામીએ ગઈ કાલે પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. એન. રંગાસ્વામી બે વખત કૉન્ગ્રેસના નેતા તરીકે અને બે વખત એઆઇએનઆરસીના નેતા તરીકે મળી કુલ ચાર વખત પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યા હતા.

 

ચૂંટણીપંચના વકીલે સુપ્રીમની પૅનલ છોડી

નવી દિલ્હી: ચૂંટણીપંચ તરફથી સર્વોચ્ચ અદાલતમાં વકીલાત માટેની પૅનલમાંથી ઍડ્વોકેટ મોહિત ડી. રામે રાજીનામું આપ્યું હતું. ચૂંટણીપંચની કાર્યપદ્ધતિ સાથે અંગત મૂલ્યોનો મેળ ન જામતો હોવાથી રાજીનામું આપ્યું હોવાનું મોહિત રામે પત્રમાં જણાવ્યું હતું. ૬ મેએ ચૂંટણીપંચના ડિરેક્ટર ઑફ લૉને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણીપંચનું પ્રતિનિધિત્વ કરવું એ મારે માટે માન અને ગૌરવનો વિષય હતો. પંચમાં  ૨૦૧૩માં સ્ટૅન્ડિંગ કાઉન્સેલથી શરૂ કરીને પૅનલ કાઉન્સેલ બન્યો ત્યાર સુધીના વિવિધ તબક્કાને હું કારકિર્દીના સીમાચિહ્‍નરૂપ ગણું છું’

 

છોટા રાજનના મૃત્યુની અફવા

નવી દિલ્હી: અહીંની એઇમ્સ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ એક મહિનાથી સારવાર લઈ રહેલા ૬૨ વર્ષના અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું મૃત્યુ થયું હોવાની ગઈ કાલે બપોરથી અફવા ઊડી હતી. જોકે સાંજે હૉસ્પિટલના સત્તાધીશોએ છોટા રાજનના મૃત્યુની વાતને અફવા ગણાવી હતી. રાજનને ડાયાબિટિઝ, હાર્ટ ટ્રબલ અને કિડની ફેલ થવા જેવી બીજી બીમારીઓ હોવાથી તેની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું.

 

ચીનનું આ રૉકેટ ન્યુ યૉર્ક પર અવકાશી કચરો ફેંકી શકે

તસવીરઃ એે.એફ.પી.

ચીનનું લૉન્ગ માર્ચ ફાઇવ-બી નામનું રૉકેટ, જે ચીનનું ટિયાન્હે સ્પેસ સ્ટેશન અવકાશમાં લઈ જઈ રહ્યું છે. ભ્રમણકક્ષાથી અલગ પડ્યા પછી આ રૉકેટમાંથી ધરતી પર અને ખાસ કરીને ન્યુ યૉર્ક પર અવકાશી કચરો પડી શકે. બીજિંગ અને મૅડ્રિડ પર પણ આ ડેબ્રિસ પડવાની સંભાવના છે. જોકે ચીને આવી શક્યતાને હમણાં નકારી કાઢી છે. 

national news