ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

01 August, 2021 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બુલેટ ટ્રેન માટે વાપી નજીક પહેલા થાંભલાનું નિર્માણકાર્ય થયું પૂર્ણ; જસ્થાનની મહિલા ડૉનની દિલ્હીમાં ધરપકડ થઈ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

બુલેટ ટ્રેન માટે વાપી નજીક પહેલા થાંભલાનું નિર્માણકાર્ય થયું પૂર્ણ

નવી દિલ્હી: નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે તેણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખાતા ૫૦૮ કિ.મી.ના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટ માટે વાપી નજીક પૂર્ણ ઊંચાઈ ધરાવતો થાંભલો બાંધ્યો છે.

એનએચએસઆરસીએલ (કૉર્પોરેશન)નાં પ્રવક્તા સુષમા ગોરે કહ્યું હતું કે વાપીના ચેઇનેજ નજીક આ કોરિડોર પર સરેરાશ ઊંચાઈ ૧૨થી ૧૫ મીટરની છે, જ્યારે કે આ થાંભલાની ઊંચાઈ ૧૩.૫ મીટરની છે, જે ચાર માળની બિલ્ડિંગના સમકક્ષ છે.

 

મિઝોરમમાં આસામના સીએમ સામે એફઆઇઆર

ગવહાટી : આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બન્ને સરકારો આમને-સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બન્ને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્ય પ્રધાન બિસ્વા સરમા વિરુદ્ધ હત્યાનું ષડ્યંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.

અગાઉના કેસમાં આસામ પોલીસે મિઝોરમના ૬ અધિકારીઓને સમન પાઠવ્યા હતા. તમામને બીજી ઑગસ્ટે ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં રજૂ થવા કહેવામાં આવ્યું હતું. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશનર અને એસપી રૅન્કના અધિકારીઓને સમન પાઠવ્યા છે.

૨૬ જુલાઈએ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં આસામના ૭ પોલીસ કર્મચારી શહીદ થયા હતા.

આ તરફ મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથંગાના કહેવા પ્રમાણે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા તેમના ભાઈ જેવા છે અને તેઓ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે.

મિઝોરમ ૧૯૭૨માં કેન્દ્રશાસિત પ્રદેશ અને ૧૯૮૭માં એક રાજ્યના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ મિઝોરમનો આસામ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.

 

ગુજરાતના ટ્વેલ્થ કૉમર્સનું ૧૦૦ ટકા પરિણામ

ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. સવારથી જ સ્કૂલમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. ૬૯૧ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૯૪૯૫ વિદ્યાર્થીએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્યો છે. એ-૧ ગ્રેડ મેળવનારા ૧,૨૯,૭૮૧ વિદ્યાર્થી છે, જ્યારે એ-૨ ગ્રેડ મેળવનારા ૧,૦૮,૨૯૯ વિદ્યાર્થી છે.

 

રાજસ્થાનની મહિલા ડૉનની દિલ્હીમાં ધરપકડ થઈ

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે રાજસ્થાનની મહિલા ડૉન અનુરાધાની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. વૉન્ટેડ ગૅન્ગસ્ટર સંદીપ ઉર્ફ કાલા જાથેડીની ઉત્તર પ્રદેશના સરહાનપુરથી ધરપકડ કરાયાના બીજા દિવસે અનુરાધાની ધરપકડ કરાઈ હતી. અનુરાધા રાજસ્થાનમાં ખંડણી, અપહરણ અને હત્યા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. રાજસ્થાન પોલીસે તેની ધરપકડ પર ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.  અનુરાધા ગૅન્ગસ્ટર આનંદપાલ સિંહની સાથીદાર હતી, જેં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

 

ભારત હાથમાં યુનોની સુરક્ષા પરિષદની કમાન

સંયુક્ત રાષ્ટ્રસંઘ: ૧ ઑગસ્ટથી એક મહિના માટે ભારતના હાથમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન હશે. ભારત ૧ ઑગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળશે અને આ મહિના દરમિયાન સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપનાની કવાયત કરવા અને આતંકવાદ પર પ્રહાર કરવા તૈયાર છે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયમાંથી મળેલી જાણકારી અનુસાર ભારતના રાજદૂત ટી. એસ. તિરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થતી મુખ્ય ગતિવિધિથી અવગત કરાવવાનું છે.

national news