ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

15 May, 2022 08:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રિપુરામાં સીએમને બદલી નખાતાં વિધાનસભ્યો નારાજ અને વધુ સમાચાર

મલેશિયાના સેલાંગોર રાજ્યના કૅમ્પંગ જેન્જારોમમાં ગઈ કાલે યોજાયેલી ચિકન બ્યુટી કૉન્ટેસ્ટ દરમિયાન આકર્ષક પોઝ આપતાં ચિકન (તસવીર : એએફપી)

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પછી હિન્દુ પક્ષકારે કહ્યું કે કલ્પનાથી પણ ખૂબ વિશેષ ત્યાં છે

વારાણસી : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ ખાતે ચૂસ્ત સુરક્ષા અને નિયંત્રણો વચ્ચે ગઈ કાલે સવારે અદાલતના આદેશ અનુસાર સર્વે અને વિડિયો કવરેજની કામગીરી શરૂ થઈ હતી. ગઈ કાલે ચાર કલાક સુધી સર્વેની કામગીરી ચાલી હતી અને આજે પણ એ ચાલુ રહે એવી શક્યતા છે. વારાણસીની કોર્ટે આજે રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો હતો. સવારે આઠથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સર્વેની કામગીરી થઈ હતી. જેમાં તમામ પક્ષકારો, તેમના વકીલો, કોર્ટના કમિશનરો અને વિડિયોગ્રાફર્સ હાજર હતા. રાજ્ય સરકારના અધિકારીઓ, પોલીસ કમિશનર અને મંદિર ટ્રસ્ટના સભ્યો પણ હાજર હતા. શાંતિપૂર્ણ રીતે સર્વેની આ કામગીરી થઈ હતી. આ સર્વેમાંથી બહાર નીકળીને વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું હતું કે ‘આપણા બધાની કલ્પનાથી પણ ખૂબ વિશેષ ત્યાં છે. કેટલાંક તાળાં ખોલવામાં આવ્યાં હતાં જ્યારે કેટલાંક તાળાં તોડવામાં આવ્યાં હતાં.’

 

દિલ્હી અગ્નિકાંડ: મિસિંગ પરિવારજનોને શોધવા લોકોનો સંઘર્ષ

નવી દિલ્હી : દિલ્હીની એક ફૅક્ટરીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા કામદારોના પરિવારજનો અત્યારે ખૂબ જ દુઃખની સાથે આક્રોશની લાગણી પણ અનુભવી રહ્યા છે. તેમણે મૃતદેહો માટે લાંબી રાહ જોવી પડશે. બીજી તરફ ૨૯ જણ હજી પણ ગાયબ છે અને તેમના પરિવારજનો તેમને શોધવા માટે આગમાં ખાખ થયેલા ફૅક્ટરી બિલ્ડિંગથી લઈને હૉસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે. આ હોનારતમાં મૃત્યુ પામનારાઓમાં મોટા ભાગની મહિલા-કામદારો હતી.  દિલ્હીના મુંડકામાં ચાર માળના કમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં ઓછામાં ઓછા ૨૭ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૨ જણને ઈજા થઈ હતી. આ બિલ્ડિંગમાંથી ઓછામાં ઓછા ૫૦ જણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે લગભગ ૨૯ જણ હજી મિસિંગ છે. આ બિલ્ડિંગમાં આગની ઘટના વિશે ફાયર ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ પાસે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું. વળી, આ બિલ્ડિંગમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ હતો, જેના કારણે મૃત્યુ પામનારાઓનું પ્રમાણ વધ્યું. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ અગ્નિકાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારજન માટે ૧૦ લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તો માટે ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની ગઈ કાલે જાહેરાત કરી હતી. 

 

ત્રિપુરામાં સીએમને બદલી નખાતાં વિધાનસભ્યો નારાજ

નવી દિલ્હી : ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું ગઈ કાલે જાહેર કર્યું હતું. આવતા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં બિપ્લબ કુમાર દેબના રાજીનામાએ રાજકીય વર્તુળોમાં આઘાતની લાગણી જન્માવી છે. બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યાના કલાકોમાં જ બીજેપીએ માણિક સાહાને ​ત્રિપુરાના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર બીજેપીના વિધાનસભ્યોનો એક વર્ગ આ પરિવર્તનથી અકળાયો છે. તેમનું કહેવું છે કે તેમની સાથે ચર્ચાવિચારણા પણ નહોતી કરાઈ અને કેન્દ્રીય નેતૃત્વએ મનસ્વી રીતે નિર્ણય લઈ લીધો. દેબના રાજીનામાની વાત સ્વીકારવા માટે અનેક વિધાનસભ્યો તૈયાર નથી. કેન્દ્રીય નેતૃત્વનો વિરોધ કરતો એક નેતાનો વીડિયો વાઇરલ થયો છે.  બિપ્લબ દેબે જણાવ્યું હતું કે પાર્ટી ઇચ્છે છે કે તેઓ સંગઠનને મજબૂત બનાવવા કામ કરે. બિપ્લબ ૨૦૧૮માં રાજ્યમાં બીજેપીના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.                         

national news international news