ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

09 May, 2022 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બદરીનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં; અમેરિકાનાં ફર્સ્ટ લેડી યુક્રેન પહોંચ્યાં અને વધુ સમાચાર

રવિવારે રાણીબાગમાં એવો ધસારો થયો કે સહેલાણીઓને એન્ટ્રી જ દોઢ-બે કલાકે મળી : મુંબઈના એકમાત્ર ઝૂ રાણીબાગની ગઈ કાલે કોરોના મહામારી બાદ રેકૉર્ડ ૨૪,૦૨૦ લોકોએ મુલાકાત લીધી હતી અને ઝૂના સંચાલકોને ટિકિટના વેચાણથી ૮,૯૨,૮૭૫ લાખ રૂપિયાની કમાણી થઈ હતી. કોરોનાની અસર ઓછી થયા બાદ બે વર્ષમાં પહેલું ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, જેને પગલે મુંબઈ અને બહારગામના પ્રવાસીઓ તેમનાં બાળકો સાથે રાણીબાગમાં પહોંચ્યા હતા. બપોરના સમયે એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે લોકોએ એન્ટ્રીની ટિકિટ લેવા માટે દોઢથી બે કલાક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. (તસવીર : દીપક દહિવેલકર)

કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર, પંજાબમાં દોઢ કિલો આરડીએક્સની સાથે બે જણની ધરપકડ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાનના લશ્કર-એ-તય્યબાના એક આતંકવાદી સહિત બે ટેરરિસ્ટ ઠાર મરાયા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘દ​ક્ષિણ કાશ્મીરમાં કુલગામના ચેયન દેવસર એરિયામાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળો એ શંકાસ્પદ સ્પૉટ તરફ આગળ વધતા હતા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં પાકિસ્તાનનો ટેરરિસ્ટ કમાન્ડર હૈદર માર્યો ગયો હતો. બીજા આતંકવાદીની કુલગામના શાહબાઝ શાહ તરીકે ઓળખ કરવામાં આવી છે. બીજી તરફ પંજાબ પોલીસે ગઈ કાલે તરન તારન જિલ્લાના એક ગામમાંથી દોઢ કિલો આરડીએક્સની સાથે બે જણની ધરપકડ કરી હતી. આ આઇઈડી મેટલિક બ્લૅક કલર બૉક્સમાં પૅક કરાયું હતું. એની સાથે ટાઇમર, ડિટોનેટર અને બૅટરી પણ હતી. 

 

બદરીનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં

બદરીનાથ : બદરીનાથ ધામનાં કપાટ ગઈ કાલે સવારે શ્રદ્ધાળુઓનાં દર્શન માટે ખોલવામાં આવ્યાં હતાં, જેના માટે ૧૫ ક્વિન્ટલ ફૂલોથી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. મંદિરનાં કપાટ સવારે સવાછ વાગ્યે ખુલ્યાં હતાં. અહીં બદરીનાથ ધામનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. આ પહેલાં શનિવારે પરંપરા અનુસાર કેદારનાથના મુખ્ય પૂજારીએ ભૈરવનાથ મંદિરનાં કપાટ ખોલ્યાં હતાં.

 

અમેરિકાનાં ફર્સ્ટ લેડી યુક્રેન પહોંચ્યાં

કીવ : અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડને ગઈ કાલે આશ્ચર્યજનક રીતે યુક્રેનની મુલાકાત લીધી હતી. અહીં તેઓ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીનાં વાઇફ ઓલેના ઝેલેન્સ્કીને મળ્યાં હતાં. બાઇડને કહ્યું હતું કે ‘હું મધર્સ ડે પર અહીં આવવા ઇચ્છતી હતી. મેં વિચાર્યું હતું કે યુક્રેનના લોકોને એ બતાવવું મહત્ત્વનું છે કે અમેરિકાના લોકો યુક્રેનના લોકોની પડખે છે.’

national news international news