ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

12 January, 2022 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન ગુરુવારે મુખ્ય પ્રધાનો સાથે મીટિંગ કરશે; મકરસંક્રાન્તિએ હરિદ્વારમાં ગંગાસ્નાન પર પ્રતિબંધ મુકાયો અને વધુ સમાચાર

કુવૈતમાં છવાયું ધુમ્મસ : કુવૈત સિટીમાં ગઈ કાલે ભારે ધુમ્મસ છવાઈ ગયું હતું. અલ-હમરા ટાવર પરથી ક્લિક કરવામાં આવેલા આ ફોટોથી એનો ખ્યાલ આવે છે. (તસવીર : એ.એફ.પી.)

ફૉગને કારણે દિલ્હી અને ચંડીગઢમાં ફ્લાઇટ લેટ

નવી દિલ્હી :  ગાઢ ફૉગને કારણે નવી દિલ્હી ઍરપોર્ટ પર આવતી-જતી ઘણી ફલાઇટ્સ મોડી પડી છે. દિલ્હી ઍરપોર્ટના અધિકારીએ કહ્યું હતું કે ખરાબ વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ ૫ થી ૧૫ મિનિટ મોડી પડી છે. જોકે કોઈ ફ્લાઇટ રદ કે ડાઇવર્ટ કરાઈ નથી. મુસાફરોને વધુ માહિતી માટે ઍરલાઇન્સનો સંપર્ક કરવા માટે જણાવાયું હતું. પાલમ ઍરપોર્ટ પર સવારે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન વિઝિબિલિટી માત્ર ૫૦ મીટર રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જ્યારે ડેન્સ ફૉગ હોય ત્યારે વિઝિબિલિટી ઘટીને ઝીરોથી ૫૦ મીટર થઈ જાય છે. ગઈ કાલે ચંડીગઢ ઍરપોર્ટ પર પણ ફૉગને કારણે ત્રણ ફ્લાઇટ મોડી પડી હતી. 

 

ન્યુઝ ઍગ્રીગેશનમાં પ્રભુત્વના દુરુપયોગને લઈને ગૂગલ સામે તપાસના આદેશ

નવી દિલ્હી : દેશની એન્ટ્રી ટ્રસ્ટ એજન્સી કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા ગૂગલ સામે ન્યુઝ ઍગ્રીગ્રેશનમાં પ્રભુત્વના દુરુપયોગને લઈને તપાસનો આદેશ આપ્યો છે. જેની ફરિયાદ ડિજિટલ ન્યુઝ પબ્લિશર અસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. અસોસિએશનના જણાવ્યા પ્રમાણે સમાચારની વેબસાઇટ પર મોટા ભાગનો ટ્રાફિક (અંદાજે ૫૦ ટકા) સર્ચ એન્જિન દ્વારા જ આવતો હોય છે. ગૂગલ નક્કી કરે છે કે કઈ ન્યુઝ વેબસાઇટને સૌથી વધુ ટ્રાફિક મળે. સીસીઆઇના જણાવ્યા પ્રમાણે માત્ર ન્યુઝ સ્નિપેટ્સ બનાવવા લોકો ન્યુઝ વેબસાઇટ જોશે એવું કહી શકાય છે. પરિણામે આ ન્યુઝ પબ્લિશરની આવક પર અસર થાય છે. 

 

ચીનની નિમ્ન માનસિકતાઃ કહે છે કે, ડિફેન્સ મિનિસ્ટરને થયેલો કોરોના લશ્કર પર અસર પાડશે

નવી દિલ્હી : સોમવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પોતાને કોરોના થયો હોવાનું ટ્વીટ કર્યું હતું. ચીનની ​સિંગુઆ યુનિવર્સિટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ક્યુઆન ​ફેન્ગે કહ્યું હતું કે આટલા મોટા સ્તરના પ્રધાનને કોરોના થવો એ આ વાતની સાક્ષી પૂરી પાડે છે કે કોરોનાએ ભારતીય લોકો તેમ જ એના લશ્કર પર અસર પાડી છે,  જેની અસર સરહદ પર લશ્કરના જવાનો પર પણ પડે છે. વાઇરસના ફેલાવાને કારણે જવાનોને ​ઝડપથી શિફટ નહીં કરાય.’

 

વડા પ્રધાન ગુરુવારે મુખ્ય પ્રધાનો સાથે મીટિંગ કરશે

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોરોનાની સ્થિતિના મામલે મુખ્ય પ્રધાનોની સાથે એક મીટિંગ કરે એવી શક્યતા છે. કોરોનાને ફેલાતો રોકવા માટે દેશમાં અનેક રાજ્યોએ અનેક નિયંત્રણો લાગુ કર્યાં છે. આ પહેલાં વડા પ્રધાને રવિવારે એક ઉચ્ચસ્તરીય મીટિંગમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં વડા પ્રધાને જિલ્લાસ્તરે યોગ્ય આરોગ્ય માળખું સુનિશ્ચિત કરવા તેમ જ કિશોરો માટે રસીકરણની ઝુંબેશ મિશન મોડમાં ચલાવવા જણાવ્યું હતું. દેશમાં કોરોનાની મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી વડા પ્રધાને મુખ્ય પ્રધાનોની સાથે અનેક મીટિંગ કરી છે. 

 

મકરસંક્રાન્તિએ હરિદ્વારમાં ગંગાસ્નાન પર પ્રતિબંધ મુકાયો

લખનઉ : હરિદ્વાર જિલ્લા વહીવટી તંત્રે મકરસંક્રાન્તિના પ્રસંગે ગંગાનદીમાં પવિત્ર સ્નાન કરવા શ્રદ્ધાળુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪ જાન્યુઆરીએ હરિદ્વાર જિલ્લામાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુ રહેશે. ઋષિકેશ ષડ્દર્શન સાધુ સમાજ અખિલ ભારતીય સનાતન ધર્મ રક્ષા સમિતિએ પણ મકરસંક્રાન્તિએ દેવપ્રયાગ અને વસંત પંચમીએ ઋષિકેશના ​ત્રિવેણી ઘાટ પર સંતોના સામૂહિક સ્નાનને સ્થગિત કર્યું છે.

 

આરોગ્યપ્રધાને ૧૨૦ ડૉક્ટર્સની સાથે કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દેશના જુદા-જુદા વિસ્તારના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર્સની સાથે ગઈ કાલે ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે વર્ચ્યુઅલ કૉન્ફરન્સ દ્વારા ૧૨૦ એક્સપર્ટ્સ ડૉક્ટર્સની સાથે કોરોના સામેની લડાઈ વિશે ચર્ચા કરી હતી. તેમણે આ એક્સપર્ટ્સનાં સજેશન્સને સાંભળ્યાં હતાં અને તેમને સૂચનો આપ્યાં હતાં. માંડવિયાએ સોમવારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરોગ્યપ્રધાનો, સિનિયર સરકારી અધિકારીઓ અને ઇન્ફર્મેશન કમિશનર્સની સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

national news international news