ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

10 January, 2022 10:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હિમાચલમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ; કોરોનાની કટોકટીમાં કૉન્ગ્રેસે કર્ણાટકમાં પદયાત્રા શરૂ કરી; સગર્ભા સ્ત્રીઓ અને દિવ્યાંગોને ઑફિસમાં હાજર રહેવામાંથી બાકાત રાખો અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

હિમાચલમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ

શિમલા : હિમાચલ પ્રદેશ સરકારે ૧૦થી ૨૪ જાન્યુઆરી સુધી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ સરકારી ઑફિસોમાં અઠવાડિયામાં કામકાજના પાંચ દિવસ રાખવામાં આવ્યા છે. સરકારી ઑફિસોમાં ૫૦ ટકા જ કર્મચારીઓની જ હાજરી રહેશે. સરકારે આઉટડોર શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક અને રાજકીય કાર્યક્રમો માટે ૩૦૦થી વધુ લોકોના એકત્ર થવા પર જ્યારે ઇનડોર માટે ૧૦૦થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલાં રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ લાગુ કર્યો હતો અને ૨૬ જાન્યુઆરી સુધી શાળાઓ અને કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ કર્યું હતું.

 

ઇટલી-અમૃતસર ફ્લાઇટ્સના મુસાફરોના ટેસ્ટ-રિપોર્ટમાં ગરબડ?

અમૃતસર : ઇટલીથી પંજાબના અમૃતસરમાં પહોંચનારા અનેક ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા હતા. જેમાંથી અનેકે ફરિયાદ કરી હતી કે તેમના ટેસ્ટ-રિપોર્ટ્સ ખોટા છે. જેના પછી જ્યાં આ ટેસ્ટ્સ થતી હતી એ પ્રાઇવેટ લૅબોરેટરીની વિરુદ્ધ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. અૅરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ હવે દિલ્હી બેઝ્ડ આ લૅબોરેટરીની સેવાઓને બંધ કરી દીધી છે અને એક સ્થાનિક લૅબોરેટરીને આ કામગીરી સોંપી છે. ઇટલીથી પાછા ફરનારા અનેક પૅસેન્જર્સે ફરિયાદ કરી હતી કે ફ્લાઇટમાં બેઠાના થોડા જ કલાકો પહેલાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના કારણે અમૃતસર પહોંચ્યા બાદ કરવામાં આવેલો તેમનો પૉઝિટિવ રિપોર્ટ સાચો નથી.

 

સગર્ભા સ્ત્રીઓ અને દિવ્યાંગોને ઑફિસમાં હાજર રહેવામાંથી બાકાત રાખો

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કોવિડ કેસમાં થયેલા અમર્યાદ વધારાને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગજનોને ઑફિસમાં હાજર રહેવામાંથી બાકાત રાખવા જોઈએ. જોકે તેઓએ ઘરે રહીને પોતાની ઑફિસની ફરજ બજાવવાની રહેશે.’ આ ઉપરાંત કોવિડ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓને પણ તેમનો વિસ્તાર ડિ-નોટિફાઈ ન થાય ત્યાં સુધી ઑફિસમાં હાજર રહેવાથી બાકાત રાખવા જોઈએ. 

 

કોરોનાની કટોકટીમાં કૉન્ગ્રેસે કર્ણાટકમાં પદયાત્રા શરૂ કરી

રામનગર : કર્ણાટકમાં કરફ્યુના આદેશ વચ્ચે કૉન્ગ્રેસે ગઈ કાલે રામનગર જિલ્લામાં મેકેદાતુ સંગમ નજીક ૧૦ દિવસની પદયાત્રા શરૂ કરી છે. વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભાના સભ્ય મલ્લિકાર્જુન ખડગેએ ડ્રમ વગાડીને પદયાત્રાના કાર્યક્રમનું  ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં સેંકડો કૉન્ગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મેકેદાતુ પ્રોજેક્ટના ત્વરિત અમલીકરણની માગણી સાથે આ વિરોધ-રૅલી યોજવામાં આવી હતી. કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવાને પગલે બૅન્ગલોર અને આસપાસના વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે.

 

સુલી ડીલ્સ ઍપ બનાવનારની ધરપકડ કરાઈ

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી દિલ્હી પોલીસે સુલી ડીલ્સ ઍપના  સર્જકોની ધરપકડ કરી છે. સુલી ડીલ્સ ઍપ કેસમાં આ પહેલી ધરપકડ છે. આ મોબાઇલ ઍપ્લિકેશનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ તેમની મરજી વગર હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. ૨૬ વર્ષના આરોપી ઓમકારેશ્વર ઠાકુરે ઇન્દોરની આઇપીએસ ઍકૅડેમીમાંથી બૅચલર ઑફ કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં તેણે સ્વીકાર્યું હતું કે મુસ્લિમ મહિલાઓની બદનામી તેમ જ તેમને ટ્રોલ કરવા માટે ટ્વિટર પર બનેલા એક ગ્રુપનો તે મેમ્બર હતો જેમાં મેં ગીટહબમાં આ વેબસાઇટ ડેવલપ કરી હતી.

 

વાળ અને મૂછ વધારવા બદલ પોલીસ-કર્મચારી સસ્પેન્ડ

ભોપાલ : મધ્ય પ્રદેશ પોલીસે એક કૉન્સ્ટેબલને અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ કૉન્સ્ટેબલને તેણે વધારેલા વાળ અને મૂછને કાપવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તેણે એમ ન કરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિન્ગમાં ડ્રાઇવર તરીકે નિમણૂક પામેલા કૉન્સ્ટેબલ રાકેશ રાણાનો સસ્પેન્શન ઑર્ડર ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેર થયો હતો.

national news international news