ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

06 December, 2021 08:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદનો ગટ્ટીપલ્લી ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવનાર દેશનો પ્રથમ વામન બન્યો; ખુલ્લામાં કચરો નાખનારના ઘર સામે રામધૂન ગવાશે અને વધુ સમાચાર

મિડ-ડે લોગો (પ્રતીકાત્મક તસવીર)

દેશના ૫૦ ટકાથી વધુ ઍડલ્ટ‍્સ ફુલ્લી વૅક્સિનેટેડ : માંડવિયા

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે દેશની એલિજિબલ ૫૦ ટકાથી વધારે ઍડલ્ટ‍્સ વસ્તી હવે ફુલ્લી વૅક્સિનેટેડ છે. દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા વૅક્સિનના કુલ ડોઝની સંખ્યા ૧૨૭.૬૧ કરોડથી વધુ છે. દેશના ૮૪.૮ ટકાથી વધુ ઍડ્લ્ટ્સે પહેલો ડોઝ મેળવ્યો છે. માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા. આ ગર્વની ક્ષણ છે કેમ કે ૫૦ ટકાથી વધારે એલિજિબલ વસ્તી હવે ફુલ્લી વૅક્સિનેટેડ છે.’ 

 

હૈદરાબાદનો ગટ્ટીપલ્લી ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવનાર દેશનો પ્રથમ વામન બન્યો

હૈદરાબાદ : હૈદરાબાદનો ગટ્ટીપલ્લી શિવપાલ ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવનારો દેશનો પ્રથમ વામન બન્યો છે. લગભગ ત્રણ ફીટની ઊંચાઈ ધરાવતા ૪૨ વર્ષના ગટ્ટીપલ્લી શિવપાલે તમામ અવરોધો અને અંતરાયોનો સામનો કરીને તેના નિવાસી જિલ્લા કરીમનગરમાં ડિગ્રી મેળવનાર પ્રથમ દિવ્યાંગ બન્યો હતો. તેણે વર્ષ ૨૦૦૪માં ડિગ્રી મેળવી હતી. અનેક વામન કદના લોકો ડ્રાઇવિંગની તાલીમ મેળવવા તેનો સંપર્ક કરી રહ્યા છે. ગટ્ટીપલ્લી શિવપાલ આવતા વર્ષે શારીરિક રીતે ​અપંગ લોકો માટે ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવાની યોજના ધરાવે છે. 

 

બૅન્કોના ખાનગીકરણની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન થવું જોઈએ : રાકેશ ટિકૈત

ચંડીગઢ : ખેડૂત-નેતા રાકેશ ટિકૈત હવે ખેડૂતો સિવાયના મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ લડાઈ લડવા ઇચ્છતા હોય એમ જણાય છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણને રોકવાની જરૂરિયાત છે. એની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન થવું જોઈએ. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમે ખેડૂતોના આંદોલનની શરૂઆતમાં જ ચેતવણી આપી હતી કે હવે પછી બૅન્કોનો વારો હશે. પરિણામ જુઓ. છઠ્ઠી ડિસેમ્બરે જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ માટે બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. જોકે સાથે જ ટિકૈતે એમ પણ જણાવ્યું કે મારી કોઈ રાજકીય મહાત્ત્વાકાંક્ષા કે એજન્ડા નથી. 

 

ખુલ્લામાં કચરો નાખનારના ઘર સામે રામધૂન ગવાશે

ગ્વાલિયર :  ચાલુ વર્ષના રાષ્ટ્રીય સ્વચ્છતા ક્રમાંકમાં પાછળ પડતાં સફાળી ઍક્શનમાં આવેલી ગ્વાલિયર સુધરાઈએ એક અનોખો ઉપાય અજમાવવાનો નિર્ણય લીધો છે. ખુલ્લામાં કચરો ફેંકનારા લોકોના ઘરે ભજન ગાયકોને મોકલીને તેમના ઘર સામે રામધૂન વગાડવામાં આવશે. જોકે ત્યાર બાદ પણ જાહેરમાં કચરો નાખવાની આદત ન છોડનારા લોકોને દંડિત કરાશે. 

national news international news